15 November, 2020 07:30 PM IST | Mumbai | ruchita
જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા
વર્ષો સુધી જાતપાતથી પર થઈને ગુજરાતનાં મોટા ભાગનાં ઘરોમાં જેમનું નામ તેમની બાળવાર્તાઓને કારણે ગુંજતું રહ્યું છે એ ગિજુભાઈ બધેકાની આજે ૧૩૬મી જન્મજયંતી છે. દેશઆખામાં બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં ક્રાન્તિ સર્જનારા, ‘બાળસાહિત્યના બ્રહ્મા’ જેવા અનેક ઉપનામથી નવાજાયેલા અને મુંબઈ હાઈ કોર્ટમાં એક સમયે વકીલાત કરતા ગિજુભાઈના વ્યક્તિત્વની અને વાર્તાઓની દુનિયામાં એક લટાર મારીએ આજે...
દલા તરવાડીની વાર્તા યાદ છે? રીંગણાં લઉં બે-ચાર કે પછી સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા તો પાક્કી યાદ હશે જ. જેમની વાર્તાઓએ એક જમાનામાં બાળશિક્ષણને નવો ઓપ આપ્યો, ભારતમાં બાળમંદિર શિક્ષણપદ્ધતિનું મંગલાચરણ જેમના થકી થયું અને જેમની વાર્તાઓ સાંભળીને મૂલ્યશિક્ષણની નવી ધારા શરૂ થઈ એ સૌરાષ્ટ્રના ગિરિજાશંકર ભગવાનજી બધેકા ઉર્ફે ગિજુભાઈની આજે ૧૩૬મી જન્મજયંતી છે. આ મહારથીએ ભારતમાં બાળશિક્ષણમાં ક્રાન્તિકારી બદલાવોમાં સિંહફાળો આપ્યો છે. બાળશિક્ષણ અને બાળ સાહિત્યને લગતાં ૨૦૦ કરતાં વધુ પુસ્તકો લખવા ઉપરાંત બીજા અઢળક નવતર પ્રયોગો કરીને નાનાં બાળકોને ભણાવવાની જૂની શિક્ષણપદ્ધતિને તેમણે બદલી અને બાળકો હસતાં-રમતાં, ગીતો ગાતાં અને મજા કરતાં ભણી લે એવી વ્યવસ્થા ઊભી કરી. જ્યાં પનિશમેન્ટની જરૂર જ ન રહે એ નીતિ પર તેમણે ખૂબ ભાર આપ્યો. સર્વાંગી વિકાસ સાથે પુસ્તકિયા જ્ઞાનની બહારની દુનિયા પણ બાળકોના શિક્ષણનો હિસ્સો બની જાય એ વિશે તેમણે ખૂબ કામ કર્યું. ગાંધીજી સહિત અનેક મોટા ગજાના સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ અને નેતાઓ તેમના કાર્યથી પ્રભાવિત હતા. મૂળ સૌરાષ્ટ્રના અમરાવતી પાસે ચિત્તલ ગામમાં જન્મેલા ગિજુભાઈ ભાવનગરમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરીને બે વર્ષ માટે આફ્રિકા પણ ગયા હતા, જ્યાં તેમણે એક અંગ્રેજ સૉલિસિટરને ત્યાં નોકરી કરી હતી. જોકે ત્યાં બહુ જામ્યું નહીં એટલે પાછા સ્વદેશ ફર્યા અને નોકરી કરવા મુંબઈ આવ્યા. મુંબઈમાં એક તરફ સ્કૂલમાં શિક્ષકની નોકરી કરે અને બીજી બાજુ તેમણે વકીલાતનું ભણવાનું શરૂ કર્યું. ૧૯૧૩માં જ્યારે તેમના ઘરે બાળકનો જન્મ થયો ત્યારે તેમનું ધ્યાન બાળશિક્ષણમાં ફંટાયું. નાનાં બાળકોને જે શિક્ષણપદ્ધતિ અંતર્ગત ભણાવાતું હતું એ તેમને રુચતું નહોતું. સોટી વાગે સમસમ, વિદ્યા આવે ઝમઝમવાળી નીતિ તેમને માફક નહોતી આવતી. આધુનિક શિક્ષણપદ્ધતિ શું છે એ સમજવા માટે તેમણે જે પ્રયાસો કર્યા એ પ્રયાસોમાં જ તેમને મૉન્ટેન્સરી શિક્ષણપદ્ધતિનો પરિચય થયો. ધીમે-ધીમે એમાં જ જાતને વાળતા ગયા. વકીલાતનો અભ્યાસ પૂરો કરીને થોડો સમય વકીલાત પણ કરી, પણ એય બહુ લાંબું નહીં ચાલ્યું. આખરે પાછા ભાવનગર આવીને નાનાભાઈ ભટ્ટ સાથે જોડાઈને શિક્ષણક્ષેત્રે ખૂબ કામ કર્યું. ૧૮૨૦માં બાળમંદિરનો નવતર પ્રયોગ શરૂ કર્યો, જેમાં બાળકો કિલ્લોલ કરતાં જાય અને આવે. હસતાં-રમતાં શિક્ષણ મળવું જોઈએ એ બાબત પર તેમનો વિશેષ ભાર હતો. એના પર જ તેમણે ઇતિહાસ સર્જનારું ‘દિવાસ્વપ્ન’ નામના પુસ્તકથી લઈને શિક્ષણ વિભાગમાં વાર્તાનું શાસ્ત્ર, બાળ ક્રીડાંગણો, ઘરમાં બાળકોએ શું કરવું, શિક્ષક હો તો, કિશોર સાહિત્ય (ભાગ ૬), બાળ સાહિત્ય માળા, બાળ સાહિત્ય વાટિકા, ટારઝનની કથાઓ, પ્રાસંગિક મનન શાંત પળોમાં, માબાપ થવું અઘરું છે, સ્વતંત્ર બાળશિક્ષક, ઇસપનાં પાત્રો, જંગલ સમ્રાટ, ટારઝનની અદ્ભુત કથાઓ જેવા વૈવિધ્યસભર વિષયોને આવરી લેતાં ઢલગાબંધ પુસ્તકો લખ્યાં છે. ૧૯૨૮માં બીજા મૉન્ટેન્સરી સંમેલનમાં તેઓ પ્રમુખ બન્યા હતા. તેમના થકી ભારતીય બાળશિક્ષણનો નવો યુગ શરૂ થયો હતો. કહેવાય છે કે ‘મુછાળી મા’નું બિરુદ તેમને સ્વયં મહાત્મા ગાંધીએ આપેલું. તો કાકાસાહેબ કાલેલકર તેમને બાળસાહિત્યના બ્રહ્મા તરીકે ઉલ્લેખતા હતા. ૧૯૩૬માં કરાચીમાં યોજાયેલા બાળમેળામાં તેમનું એ સમયે ૧૧,૦૦૦ રૂપિયા આપીને સન્માન કરવામાં આવેલું. જોકે આ રકમ બાળવિકાસ માટે વાપરજો એમ કહીને તેમણે એ પાછી આપી દીધી હતી. છેલ્લે પક્ષઘાતથી મુંબઈની હરકિશન હૉસ્પિટલમાં ૧૯૩૯ની ૨૩ જૂને તેમણે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે પણ એક ચિઠ્ઠીમાં લખતા ગયા હતા કે મારા મૃત્યુ પછી રડતા નહીં. જીવન શાશ્વત નથી. ગાંધીજીએ તેમની વિદાય પછી કહેલું કે તેમનું કામ ઊગી નીકળશે, જે ખરેખર ઊગી નીકળ્યું. તેમના પ્રતાપે એક નવી શિક્ષણપ્રણાલીએ બાળવિકાસ અકલ્પનીય બદલાવો આવ્યા છે.
તેમની વાર્તાનાં પુસ્તકોની ડિમાન્ડ ક્યારેય ઘટી નથી : પંકજ ચતુર્વેદી
ગિજુભાઈએ લખેલાં પુસ્તકોનો અનેક અન્ય ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમનું અપ્રતિમ પુસ્તક ‘દિવાસ્વપ્ન’ તો એટલું પૉપ્યુલર થયું કે ગુજરાતના આ બાળશિક્ષણ ક્રાન્તિકારીનો ડંકો વૈશ્વિક સ્તરે વાગ્યો. ભારત બુક ટ્રસ્ટ દ્વારા ‘દિવાસ્વપ્ન’ની છેલ્લાં પચાસેક વર્ષમાં હજારો પ્રત વિવિધ ભાષામાં છપાઈ છે. વાર્તાઓનાં હિન્દીભાષી પુસ્તકોના સેટ થકી ગિજુભાઈની વાર્તાઓ લગભગ એકાદ કરોડ બાળકો સુધી પહોંચી હશે એવો દાવો કરીને હિન્દુ બુક ટ્રસ્ટના એડિટર પંકજ ચતુર્વેદી કહે છે, ‘મૂળ ભારતીય શિક્ષણપ્રણાલીને ગિજુભાઈએ ‘દિવાસ્વપ્ન’માં શબ્દસ્થ કરી. લગભગ દરેક ભાષામાં કમસેકમ એક પુસ્તક તમને ચોક્કસ મળશે. ૨૦૦૮માં પહેલી વાર પબ્લિશ થયેલો ૧૦૦ વાર્તાઓનાં દસ પુસ્તકોનો સેટ ‘ગિજુભાઈ કા ગુલદસ્તા’ પણ અમે લગભગ ૮ વાર રીપ્રિન્ટ કરી ચૂક્યા છીએ. પંજાબી, ઓરિયા ભાષામાં એનો અનુભવાદ થયો અને હવે મરાઠીમાં કામ ચાલુ છે. એ સેટ લોકોને ખૂબ પસંદ પડ્યો. ગિજુભાઈ ખરા અર્થમાં ‘મુછાળી મા’ હતા. તેમણે બાળકોને શૈક્ષણિક પોષણ આપ્યું છે. શિક્ષણ તેમના પર થોપ્યું નથી.’
મારા જીવનના સૌથી પહેલા પ્રેરણાસ્રોત : આબિદ સુરતી
ગિજુભાઈની લગભગ સોએક વાર્તા ધરાવતાં ૧૦ પુસ્તકના સેટને વન મૅન આર્મી વોટર ઍક્ટિવિસ્ટ અને ઇલસ્ટ્રેશનમાં નામ ધરાવતા આબિદ સુરતીએ નવો ઓપ આપ્યો. વાર્તા તેમની જ, પરંતુ રજૂઆત આજના પરિપ્રેક્ષ્યમાં. આપણે ત્યાં કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેણે ગિજુભાઈની એકાદ વાર્તા પણ ન સાંભળી હોય એમ જણાવીને આબિદભાઈ કહે છે, ‘ઉંદર સાત પૂંછડીવાળો નામની વાર્તા આજે પણ મારા કાનમાં મારાં દાદીના સ્વરમાં ગુંજે છે. મારો જન્મ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં થયો છે. મને યાદ છે કે અમારે ત્યાં ગામમાં પ્રત્યેક ઘરમાં ઘરના વડીલો તેમનાં પૌત્રપૌત્રીઓને ગિજુભાઈની વાર્તા કહેતા. એક ઘર બાકી નહોતું. કોઈ પણ જાત હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, દરેક ઘરનો હિસ્સો આ વાર્તાઓ હતી. ૧૯૮૦ના દાયકામાં જ્યારે મને વિચાર આવ્યો કે મારા જીવનમાં પ્રેરણાસ્રોત બનેલા લોકોને યાદ કરું અને મારી કૃતજ્ઞતા તેમને માટે વ્યક્ત કરું તો સૌથી પહેલું નામ મને ગિજુભાઈનું યાદ આવ્યું. તેમની પ્રત્યેક વાર્તામાં બોધ હતો, પ્રત્યેક વાર્તામાં ગાન હતું. અઘરામાં અઘરા વિષયો તેઓ બાળકોને રમતરમતમાં શીખવી દેતા. સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તામાં તેમણે હસી-મજાક સાથે બાળકોને માટે ગણિતની બાદબાકી ઉમેરી દીધી હતી. બીજું, તેમની ખાસિયત એ હતી કે તેમણે દરેક મા-બાપને, શિક્ષકોને તેમની વાર્તાઓ નું પઠન પોતાની રીતે કરવાની ખાસ હિદાયત આપી હતી. બાળક સાંભળીને જ શીખી જાય એવી આકર્ષક પદ્ધતિ તેમણે આપી.’
મહાન વિભૂતિ જેવા ને જમાનાથી ઘણા આગળ હતા : ભગત શેઠ
ગિજુભાઈનાં પુસ્તકોના સૌથી પહેલા કૉપીરાઇટ્સ ગુજરાતી ભાષાના અગ્રણી પબ્લિશર આર. આર. શેઠ પાસે હતા. અત્યાર સુધીમાં આ પબ્લિશિંગ હાઉસે પણ ગિજુભાઈના સાહિત્યનો ભરપૂર પ્રચાર-પ્રસાર કર્યો છે. આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર ભગત શેઠ કહે છે, ‘ગિજુભાઈ સાથે મારા પિતાનો ઘરોબો બહુ સારો હતો. તેમના પોતાના સમૃદ્ધ લખાણ ઉપરાંત નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી સંસ્થા દિક્ષણામૂર્તિમાં તેમણે ઘણાં પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. તેમના લખાણમાં જીવનના, નાગરિકતાના, દેશદાઝના પાઠ બાળકોને હસતાં-રમતાં મળ્યા છે. ગિજુભાઈ મહાન વિભૂતિ જેવા હતા અને જમાનાથી ઘણા આગળ હતા. હજી પણ તેમણે સ્થાપેલા બાળમંદિરની ઍક્ટિવિટી ઘણી સરસ રીતે ચાલી રહી છે.’
ગિજુભાઈના બાળશિક્ષણના પ્રયોગો સદાકાળ પ્રસ્તુત રહેવાના
જે સંસ્થાએ ગિજુભાઈના ઉદયમાં બહુ મોટી ભૂમિકા ભજવી અને જે સંસ્થામાં તેમણે ૨૦ વર્ષ સેવા આપી એવા શિક્ષણક્ષેત્રે ગુજરાતમાં અનન્ય યોગદાન આપનારા નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થપાયેલી દક્ષિણામૂર્તિ સંસ્થાના ટ્રસ્ટી અને લોકભારતી જેવી શિક્ષણ અને ગ્રામ્ય વિકાસ માટે કામ કરી રહેલી અન્ય ઢગલાબંધ ગુજરાતની સંસ્થાઓ સાથે સંકળાયેલા અરુણ દવે કહે છે, ‘જીવનઘડતરની કેળવણીનું પ્રાથમિક પગથિયું બાળકેળવણી છે અને એ દિશામાં ગિજુભાઈએ કરેલા કાર્યની અસર સદાકાળ ભારત દેશ સાથે જોડાયેલી રહેવાની છે. ગિજુભાઈએ બાળકને ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન ગણીને તેના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતી શિક્ષણપ્રણાલી અપનાવીને શિક્ષણને ધર્મકાર્ય બનાવી દીધું. હોશિયારી વિષયશિક્ષણમાં નથી, પણ જીવનશિક્ષણમાં છે એ વાત તેઓ બરાબર પામી ગયા હતા. બાળકને નિરાશ કે અપમાનિત કર્યા વિના તેનામાં રહેલી સર્જનશક્તિને બાળકની મનગમતી પ્રવૃત્તિઓ દ્વારા ઉજાગર કરવાની કળા એક શિક્ષક તરીકે તેમણે પણ બખૂબી નિભાવી હતી. જીવનમૂલ્યોની વાતો, દૃષ્ટાંતો કે ઉપદેશો ફલશ્રુતિ આપનારા ન બન્યાં, કારણ કે એ પ્રૌઢાવસ્થામાં અપાયાં છે. પાંદડે પાણી પાયું છે અને મૂળિયાં કોરાં રહ્યાં છે. બાળશિક્ષણ એ મૂળિયે પાણી પાવાની પ્રક્રિયા છે. ગિજુભાઈએ પ્રકૃતિને ક્લાસરૂમ બનાવ્યો, સંસ્કૃતિને સાધન તરીકે પ્રયોજીને સહજ રીતે બાળકોને વાર્તારૂપે, નાટક, સંગીત, પર્યટન દ્વારા કેળવવાનો જે સફળ પ્રયોગ કરી બતાવ્યો છે એ હંમેશાં પ્રસ્તુત રહેશે.’