08 August, 2023 08:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઝોમૅટોના સીઈઓ
ફ્રેન્ડશિપ ડેના અવસરે ઝોમૅટોના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) દીપેન્દ્ર ગોયલ તેમની ટીમને ઑર્ડરનું સંચાલન કરવામાં મદદ કરવા માટે આગળ આવ્યા હતા. સ્ટાફને મદદ કરવા અને ફ્રેન્ડ્શિપ ડેની ઉજવણી કરવા માટે તેઓ ફૂડ ડિલિવરી એજન્ટ બની ગયા હતા. દીપેન્દ્ર ગોયલે સોશ્યલ મીડિયા પર શૅર કર્યું કે મેં ગ્રાહકો, ડિલિવરી પાર્ટનર્સ અને રેસ્ટોરાં પાર્ટનર્સને ફૂડ ઍન્ડ ફ્રેન્ડશિપ બૅન્ડ્સની ડિલિવરી કરી હતી. તેમણે આ દિવસને ‘અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રવિવાર’ ગણાવ્યો હતો.
તેમણે લખ્યું હતું કે ‘ડિલિવરી પાર્ટનર્સ, રેસ્ટોરાં પાર્ટનર્સ અને ગ્રાહકોને કેટલાક ફૂડ અને ફ્રેન્ડશિપ બૅન્ડ્સ ડિલિવર કરવા જઈ રહ્યો છું. અત્યાર સુધીનો શ્રેષ્ઠ રવિવાર!’ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ગોયલે રેડ ઝોમૅટો ટી-શર્ટ પહેરીને બાઇક પર બેઠેલા પોતાના કેટલાક ફોટો શૅર કર્યા હતા અને તેમણે કંપનીની ડિલિવરીબૅગ પણ સાથે રાખી હતી. અન્ય એક ફોટોમાં તેમણે ‘ફ્રેન્ડ્સ ફોરેવર’ છાપેલા ફ્રેન્ડશિપ બૅન્ડ્સ પણ શૅર કર્યા હતા.
એક યુઝરે લખ્યું કે મને આ અભિગમ પસંદ આવ્યો. તમામ સીઈઓએ આવું કરવું જોઈએ. તમારા માટે મને માન છે. અન્ય વ્યક્તિએ કમેન્ટ કરી કે બસ, ભાઈ, આ બહાને અમારા ઑર્ડર પર ફ્રેન્ડશિપ ડે ચાર્જ ન લગાડતા.