૯૯ મોબાઇલ સાથે ગૂગલ-મૅપને છેતર્યો

08 August, 2023 08:20 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગૂગલ-મૅપ પર કેટલો ટ્રાફિક છે એ બતાવવા માટે રેડ, ઑરેન્જ, ગ્રીન અને યલો રંગનો ઉપયોગ કરવામાં આવે છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માનવજાત સામે ખતરો બની રહ્યું છે ત્યારે બીજી તરફ હજી આજે પણ એવા પુરાવા મળ્યા છે જેના આધારે કહી શકાય કે આખરે વર્ચસ્વ તો માણસોનું જ રહેશે, જેમાં ૨૦૨૦ની એક ઘટનાનો ઉલ્લેખ છે. કોઈ પણ સ્થળે જવા માટે આપણે સામાન્ય રીતે ગૂગલ-મૅપનો ઉપયોગ કરીએ છીએ. એટલું જ નહીં, એ સ્થળે જવાના રસ્તા પર કેટલો ટ્રાફિક છે એ જાણવા માટે કે અન્ય વૈકલ્પિક રસ્તો શોધવા માટે ગૂગલ-મૅપનો પર્યાય નથી. ગૂગલ-મૅપ પર કેટલો ટ્રાફિક છે એ બતાવવા માટે રેડ, ઑરેન્જ, ગ્રીન અને યલો રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ ગૂગલ-મૅપને છેતરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને યુટયુબર સિમોન વેકર્ટે એક પ્રયોગ કર્યો હતો. તેણે ૯૯ સ્માર્ટફોન લીધા અને એને એક નાના બૉક્સમાં મૂક્યા અને તમામ ફોનમાં ગૂગલ-મૅપ ચાલુ કર્યું. એ બૉક્સને એક નાનકડી હાથગાડી પર મૂકીને તે રસ્તા પર ચાલવા માંડ્યો. હાથલારી સાથે ૯૯ સ્માર્ટફોન લઈને તે જે રસ્તા પર જતો હતો એ રસ્તા પર ટ્રાફિક જૅમના સિગ્નલ ગૂગલ-મૅપ આપતા હતા. એને કારણે ઘણા કારચાલકો ટ્રાફિક જૅમ સમજીને એ રસ્તા પરથી જવાનું ટાળતા હતા. એના પ્રયોગે સાબિત કરી આપ્યું કે એક સિસ્ટમને કેટલી સહેલાઈથી છેતરી શકાય છે. એક યુઝરે કહ્યું કે મને લાગ્યું કે ગૂગલે રસ્તા પર સેન્સર મૂક્યું હશે, પણ હવે ખબર પડી કે એવું કાંઈ નથી. અન્ય એક યુઝરે કહ્યું કે હવે મને ખબર પડી કે શા માટે ગૂગલ મને હંમેશાં લોકેશન ટ્રૅકિંગ ઑન રાખવા માટે કહેતું હતું.

google offbeat news international news world news