27 April, 2023 11:14 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઘણાં વર્ષો પહેલાં સમુદ્રના તળિયે ડૂબી ગયેલા જહાજના અવશષો મળતાં એના ઉપરથી બનેલી ફિલ્મ ‘ટાઇટૅનિક’ લોકોને ઘણી ગમી હતી. તાજેતરમાં જ અમેરિકાના એક યુટ્યુબરે એરિયા ૫૧માં ૭૦ વર્ષ પહેલાં અકસ્માતનો ભોગ બનેલા એક વિમાનના અવશેષો શોધી કાઢ્યા હતા. અમેરિકાના ઍરફોર્સ દ્વારા ઘણા લાંબા સમયથી નેવાડા ટેસ્ટ અને ટ્રેઇનિંગ રેન્જ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા અને એરિયા ૫૧ તરીકે ઓળખાતા વિસ્તારને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. પરગ્રહ પરથી પણ લોકો અહીં આવતા હોય છે એવી પણ અટકળો છે. યુટયુબની ચૅનલ બ્રેવ વાઇલ્ડરનેસના હોસ્ટ માર્ક વિન્સે અપલોડ કરેલા આ વિડિયોને પોતાનું સૌથી મહત્ત્વનું સાહસ ગણાવ્યું હતું. ૧૯૫૫માં નેવાડાના માઉન્ટ ચાર્લ્સટન પર વિમાન તૂટી પડ્યું હતું. આ વિમાન એરિયા ૫૧ તરફ જતું હતું. આ વિમાનમાં શું હશે એની કલ્પના યુટયુબર ત્યાં જતી વખતે કરતો હતો. વિમાન કૅલિફૉર્નિયાથી જઈ રહ્યું હતું. હવામાન ખરાબ હતું. વળી મિશન ગુપ્ત રહે એ માટે એ રડારની નીચે ઊડી રહ્યું હતું તેમ જ માઉન્ટ ચાર્લ્સટનની ટોચ સાથે અથડાતાં એ ક્રૅશ થયું હતું.
વિમાનમાં કુલ ૧૪ લોકો સવાર હતા. હજી પણ એના ટુકડાઓ ઢોળાવ પર પથરાયેલા હતા. અકસ્માતના એક વર્ષ બાદ ઍૅરફોર્સે સમગ્ર વિસ્તારમાં ડાઇનમાઇટથી વિસ્ફોટ કર્યો હતો, કારણ કે મિશનને ગુપ્ત રાખવાનું હતું. આ યુ-ટુ વિમાન શીતયુદ્ધમાં અમેરિકાના ગુપ્તચર અભિયાન માટે બહુ જ ઉપયોગી હતું. તેથી એનો કોઈ પણ ભાગ દુશ્મનના હાથમાં ન આવે એનું જોખમ લઈ શકાય એવું નહોતું.
માર્યા જનારાઓના પરિવારને પણ એમના પ્રિયજનોનાં મોતના કારણની ૪૦ વર્ષ સુધી જાણ કરવામાં આવી નહોતી. તમામ માહિતીઓ ૧૯૯૮માં જાહેર કરાઈ હતી.