20 November, 2024 04:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યુટ્યુબર રિહાન ભેંસ પર બેસીને રીલ બનાવવા માટે જાણીતો છે
દિલ્હીનો યુટ્યુબર રિહાન ભેંસ પર બેસીને રીલ બનાવવા માટે જાણીતો છે, પણ ઉત્તર પ્રદેશમાં તેની આ સ્પેશ્યલિટીએ તેને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. રિહાન ઉત્તર પ્રદેશના અમરોહા શહેરમાં સંબંધીનાં લગ્નમાં ગયો હતો. ત્યાં રવિવારે રાતે તેણે રીલ બનાવવાનું નક્કી કર્યું અને ભેંસ પર બેસીને રસ્તા પર નીકળી પડ્યો. તેણે ગૉગલ્સ અને હેલ્મેટ પહેર્યાં હતાં. ફરતો-ફરતો તે હૉસ્પિટલ પહોંચી ગયો. તેની પાછળ-પાછળ છોકરાંઓ પણ દોડાદોડ કરતાં ત્યાં આવી પહોંચ્યાં અને દેકારો બોલાવી દીધો. હૉસ્પિટલના પ્રાંગણમાં ઊભેલા લોકોને પણ રિહાનને જોઈને ગમ્મત થઈ અને વિડિયો બનાવવાનું શરૂ કરી દીધું. હૉસ્પિટલમાં એટલો કોલાહલ મચી ગયો કે દરદીઓ ત્રાસી ગયા. છેવટે પોલીસ ત્યાં આવી અને રિહાનને પકડી ગઈ. કલાકો સુધી લૉક-અપમાં બેસાડી રાખ્યો. માફી માગ્યા પછી તેને શાંતિભંગ કરવા બદલ દંડ ભરાવીને છોડી મૂક્યો હતો.