વિશ્વની સૌથી લાંબી ફુટબૉલ મૅચ ૨૬ કલાક ચાલી, ખેલાડીઓએ ૮૨૫ ગોલ કર્યા

08 June, 2024 10:46 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

ઑલ રશિયન ફુટબૉલ ડે સેલિબ્રેશન માટે મૉસ્કોની હદમાં લુઝનિકી ઑલિમ્પિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ૭ ખેલાડીઓની બે ટીમ વિશ્વની સૌથી લાંબી ફુટબૉલ મૅચનો રેકૉર્ડ તોડવા માટે મેદાનમાં ઊતરી હતી

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે ફુટબૉલની મૅચ ૯૦ મિનિટ સુધી ચાલે છે, પણ મૉસ્કોમાં તાજેતરમાં યોજાયેલી ફુટબૉલ મૅચ ૨૬ કલાક સુધી ચાલી હતી. ૧ જૂને ઑલ રશિયન ફુટબૉલ ડે સેલિબ્રેશન માટે મૉસ્કોની હદમાં લુઝનિકી ઑલિમ્પિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ૭ ખેલાડીઓની બે ટીમ વિશ્વની સૌથી લાંબી ફુટબૉલ મૅચનો રેકૉર્ડ તોડવા માટે મેદાનમાં ઊતરી હતી. આ ફુટબૉલ ગેમ શનિવારે બપોરે શરૂ થઈ હતી અને ૨૬ કલાક પછી રવિવારે બપોરે બે વાગ્યે પૂરી થઈ હતી. અગાઉ સૌથી લાંબી ફુટબૉલ મૅચનો રેકૉર્ડ ૨૦૧૪માં નોંધાયો હતો જ્યારે બે ટીમ સતત ૨૪ કલાક સુધી આ ગેમ રમી હતી.
લેટેસ્ટ રેકૉર્ડ બનાવનારી બન્ને ટીમે ભેગી મળીને કુલ ૮૨૫ ગોલ કર્યા હતા. રેડ ટીમે ૪૧૬ ગોલ બનાવીને ૪૦૯ ગોલ બનાવનારી વાઇટ ટીમને હરાવી હતી. ૨૬ કલાકની ગેમમાં ખેલાડીઓને સતત બે કલાક સુધી રમવાનું હતું અને એ પછી ૮ મિનિટનો બાથરૂમ-બ્રેક મળતો હતો. આ ગેમના પ્લેયર્સ ૭-૭ના ફૉર્મેટમાં ઊતર્યા હોવાથી એને ઑફિશ્યલ ફુટબૉલ ગેમ ન કહી શકાય એટલે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એને સ્થાન મળવાની શક્યતા નથી. જોકે આ રેકૉર્ડ રશિયન બુક ઑફ રેકૉર્ડ્સમાં જરૂર નોંધાશે.

moscow football offbeat news international news world news