09 November, 2024 05:15 PM IST | America | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની રસાકસી પછી પરિણામ જાહેર થઈ ગયું છે અને ડોનલ્ડ ટ્રમ્પ ફરીથી ૪ વર્ષ માટે રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. ટ્રમ્પના સમર્થકોમાં ઉત્સાહનું વાતાવરણ છે, પણ અમેરિકાની યુવતીઓએ આશ્ચર્યજનક આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું છે. ટ્રમ્પની જીતને ડેમોક્રૅટિક પાર્ટીએ મહિલાઓના ગર્ભપાતના અધિકાર અને સુરક્ષા વિશેના જનમત તરીકે ગણાવી હતી એટલે મહિલાઓએ ટ્રમ્પને મત આપનારા પુરુષોને દંડ કરવા માટે આ આંદોલન શરૂ કર્યું છે. કોરિયામાં ૨૦૧૦માં જે રીતે ‘4B આંદોલન’ શરૂ થયું હતું એનાથી પ્રેરાઈને અમેરિકાની મહિલાઓએ પણ આ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનમાં ‘B’નો કોઈ અર્થ નથી હોતો. લિબરલ જૂથની મહિલાઓએ જાહેર કર્યું છે કે ટ્રમ્પને મત આપનાર યુવાનોને તેઓ પ્રેમ નહીં કરે કે લગ્ન પણ નહીં કરે. એ તો ઠીક, ટ્રમ્પને મત આપનારા યુવાનોને ડેટ પણ નહીં કરે અને તેમની સાથે શરીરસંબંધ પણ નહીં બાંધે. આ પ્રતિબંધ ટ્રમ્પના કાર્યકાળ જેટલો, ૪ વર્ષ સુધીનો છે.