06 September, 2024 03:19 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઝોમાટો, પેટીએમ જેવી કંપનીઓમાં મહિલાઓને પુરુષો કરતાં વધુ સૅલેરી
મોટા ભાગના ક્ષેત્રે સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓને ઓછો પગાર મળતો હોય છે પરંતુ દેશની મોખરાની અને સ્ટૉક માર્કેટમાં નોંધાયેલી ટૅક યુનિકૉર્ન કંપનીઓમાં આ સ્થિતિ ઊંધી છે. ઝોમાટો, પેટીએમ, ડિલિવરી અને મામાઅર્થ જેવી કંપનીઓમાં પુરુષ કર્મચારીઓ કરતાં મહિલા કર્મચારીઓનો પગાર વધુ છે. એકમાત્ર નાયકામાં મહિલાઓને ઓછી સૅલેરી મળે છે. નાયકામાં મહિલા કર્મચારીઓનો સરેરાશ પગાર પુરુષ કર્મચારીઓ કરતાં ૨૭ ટકા ઓછો છે, પરંતુ ફાલ્ગુની નાયરની આ કંપની સંખ્યાની દૃષ્ટિએ બીજી કંપનીઓ કરતાં જુદી પડે છે, કારણ કે દિલ્હીમાં દર મહિલા કર્મચારી સામે પુરુષ કર્મચારીની સંખ્યા ૧૭.૫ છે, જ્યારે નાયકામાં ૧.૭૯ છે. મહિલા કર્મચારીઓને વધુ પગાર ચૂકવવામાં પેટીએમ મોખરે છે. અહીં નાણાકીય વર્ષ ૨૦૨૪માં મહિલા કર્મચારીઓનો સરેરાશ પગાર ત્યાંના પુરુષ કર્મચારીઓ કરતાં ૧૬૦ ટકા વધુ હતો. પછીના ક્રમે પેટીએમ આવે છે. અહીં ૧૬.૫ ટકા વધુ પગાર છે. ઝોમાટોમાં ૩.૨૯ ટકા અને મામાઅર્થમાં ૨.૬૪ ટકા પગાર વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં ટેક ફીલ્ડમાં ફન્ડિંગ મંદું રહેવાથી પગાર પર એની અસર પડી હતી. ટેક યુનિકૉર્ન કંપનીઓના વાર્ષિક રિપોર્ટના આધારે ઝોમાટોના કર્મચારીઓના સરેરાશ વેતનમાં ૧૬.૮ ટકા ઘટાડો થયો હતો, જ્યારે ડેલ્હીવરી અને નાયકામાં પગારધોરણ સ્થિર રહ્યું હતું. બીજી બાજુ પેટીએમમાં પગારધોરણ ૭ ટકા અને મામાઅર્થમાં ૨૦ ટકાનો વધારો થયો હતો.