25 October, 2024 02:39 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
દુબઈના રણમાં ફસાયેલી બે યુવતીએ બહાર નીકળવા માટે ઉબર ઍપ ચાલુ કરી તો વિકલ્પ જોઈને ચોંકી ગઈ
આપણે ઉબર કે ઓલા ઍપમાંથી ટૂ-વ્હીલર, રિક્ષા કે ટૅક્સી બુક કરાવીએ છીએ, પણ દુબઈના રણમાં ફસાયેલી બે યુવતીએ બહાર નીકળવા માટે ઉબર ઍપ ચાલુ કરી તો વિકલ્પ જોઈને ચોંકી ગઈ હતી. ઍપમાં ઑલ-ટેરીન વેહિકલ્સ (ATV)ની સાથોસાથ ઊંટનો વિકલ્પ પણ હતો. દુબઈ-હટ્ટા રોડ પાસેના અલ બદા ઍરમાં આ વિડિયો શૂટ થયો હતો. વિડિયો જોઈને એવું લાગે જાણે બે યુવતીઓ રણમાં ખોવાઈ ગઈ છે અને બહાર નીકળવા માટે મોબાઇલમાં ઉબર ઍપ ચાલુ કરીને ટ્રાવેલ માટેના વિકલ્પમાં સૌથી ઉપર ઊંટનો વિકલ્પ જોવા મળે છે. ઊંટનો વિકલ્પ સાચો છે કે ખોટો એ જોવા માટે તેઓ ઊંટનો ઑર્ડર આપે છે અને થોડી જ વારમાં એક માણસ ઊંટ લઈને તેમની સામે હાજર થઈ જાય છે. એ જોઈને બન્ને મહિલા ચકિત થઈ જાય છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચામાં છે.