01 April, 2025 12:40 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
કાર્લી ઇલેક્ટ્રિક
અમેરિકાના ક્વીન્સલૅન્ડમાં રહેતી ૩૦ વર્ષની કાર્લી ઇલેક્ટ્રિક નામની યુવતી પર વીજળી પડી અને તેની આંખની કીકીનો રંગ બદલાઈ ગયો. વાત એમ છે કે કાર્લીને વાવાઝોડું અને વીજળીના કડાકાભડાકા થાય એ જોવાનું બહુ ગમતું. જ્યારે પણ ચમકારા થાય ત્યારે તે આકાશમાં ઝરતા તેજ શેરડા જોવા માટે ઘરની બહાર દોડી આવતી. જોકે થોડા સમય પહેલાં તે રાતના સમયે વીજળીના ચમકારા જોવા ઘરની બહાર નીકળી એ જ વખતે તેના પર વીજળી ત્રાટકી. અત્યંત શક્તિશાળી વીજળીના કરન્ટથી તે થોડી વાર તો જ્યાં હતી ત્યાં જ ખોડાઈ ગઈ અને પછી બેભાન થઈને પડી ગઈ. ઊઠીને જોયું ત્યારે તેના હાથ-પગ લકવાગ્રસ્ત થઈ ગયેલા. વીજળી પડવાને કારણે આવતો લકવો કેરોનોપૅરૅલિસિસ કહેવાય છે. મોટા ભાગે આ ટેમ્પરરી અવસ્થા છે. હાથ અને પગ બ્લુ પડી ગયેલા અને ખભાથી ઉપરના માથા સિવાય તે કંઈ જ હલાવી કે ફીલ નહોતી કરી શકતી. તેને તરત જ મેડિકલ સારવાર મળતાં જીવ તો બચી ગયો, પણ સંપૂર્ણ રિકવરી આવતાં ખાસ્સો સમય લાગ્યો. જ્યારે તે ખુદ ચાલતી થઈ ત્યારે તેણે અરીસામાં જોયું તો તેની આંખની કીકીનો રંગ સાવ બદલાઈ ગયેલો. તેની લીલી અને માંજરી આંખો હવે ડાર્ક બ્રાઉન રંગની થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે વીજળીના ઝટકાને કારણે આવું થઈ શકે છે. ૨૦૧૭માં અમેરિકાના અલબામામાં એક ટીનેજર પર વીજળી પડ્યા પછી તેનાં ચશ્માંના નંબર જતા રહ્યા હોવાનો કેસ પણ મેડિકલ જર્નલમાં નોંધાયેલો છે.