ડૉક્ટર માથામાં સર્જરી કરતા હતા અને મહિલા દરદી ફિલ્મ જોતાં હતાં

19 September, 2024 02:37 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

મગજની સર્જરી ઘણી જટિલ હોય છે તો પણ આ મહિલા દરદી આરામથી જુનિયર એનટીઆરની ફિલ્મ જોતાં હતાં. આંધ્ર પ્રદેશના કાકીનાડાની સરકારી જનરલ હૉસ્પિટલમાં આ આશ્ચર્ય થાય એવું ઑપરેશન કરવામાં આવ્યું હતું.

અનંતલક્ષ્મી ફિલ્મ જોતાં

બોલો, મેડિકલ સાયન્સ કેટલું આગળ વધી ગયું છે. મગજની સર્જરી ઘણી જટિલ હોય છે તો પણ આ મહિલા દરદી આરામથી જુનિયર એનટીઆરની ફિલ્મ જોતાં હતાં. આંધ્ર પ્રદેશના કાકીનાડાની સરકારી જનરલ હૉસ્પિટલમાં આ આશ્ચર્ય થાય એવું ઑપરેશન કરવામાં આવ્યું હતું. તબીબોએ આને ઇનોવેટિવ અપ્રોચ ગણાવ્યો છે. એ ‘જાગ્રત ક્રેનિયોટોમી’ તરીકે પણ ઓળખાય છે. આમાં દરદીને જટિલ ઑપરેશન વખતે પણ જાગ્રત અને વ્યસ્ત રહેવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. એ. કોઠાપલ્લીનાં પંચાવન વર્ષનાં દરદી એ. અનંતલક્ષ્મીને સતત માથામાં દુખાવો થતો હતો અને અંગો સૂન થઈ જતાં હતાં. ડૉક્ટરોએ તપાસ કરાવતાં તેમના મસ્તિષ્કની જમણી બાજુએ ૩.૩ x ૨.૭ સેન્ટિમીટરની ટ્યુમર હોવાની ખબર પડી હતી. તબીબોએ ઑપરેશન કરાવવાની સલાહ આપી હતી એટલે તેઓ સરકારી હૉસ્પિટલમાં દાખલ થઈ ગયાં. સર્જરી હતી એ દિવસે મેડિકલ ટીમે અનંતલક્ષ્મીને શાંત અને ધ્યાન કેન્દ્રિત રાખવા માટે જુનિયર એનટીઆરની તેમની ગમતી ફિલ્મ ‘એડહર્સ’ બતાવી હતી. આ સર્જરી જટિલ તો હતી જ, સાથે-સાથે પ્રચલિત પણ નહોતી. આમ છતાં સફળતાપૂર્વક ટ્યુમર કાઢી લેવાયું અને દરદીએ ફિલ્મ પણ જોઈ નાખી.

andhra pradesh offbeat news india india news national news