વિડિયો જોઈને ઍક્યુપંક્ચર થેરપિસ્ટ બનેલી મહિલાની સારવારથી દરદી ગુજરી ગયો, ૧૮ મહિનાની જેલ થઈ

07 August, 2024 02:38 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનના જિયાંગસુ રાજ્યમાં બાયોઇંગ કાઉન્ટીમાં રહેલી મહિલા વાંગ નેટ પર ઍક્યુપંક્ચરના વિડિયો જોઈ-જોઈને એક્સપર્ટ બની ગઈ

પ્રતીકાત્મક તસવીર

યુટ્યુબ અને હવે તો ઇન્સ્ટાગ્રામ પર આવતા વિડિયો જોઈને લોકો જાતે જ Ph.D. થઈ જતા હોય છે. ચીનના જિયાંગસુ રાજ્યમાં બાયોઇંગ કાઉન્ટીમાં રહેલી મહિલા વાંગ નેટ પર ઍક્યુપંક્ચરના વિડિયો જોઈ-જોઈને એક્સપર્ટ બની ગઈ. ન કૉલેજ ગઈ કે ન ડિગ્રી લીધી, બસ ઇન્ટરનેટ યુનિવર્સિટીમાંથી શીખીને જાતે જ ‘પાસ’ થઈ ગઈ. આ મહિલા પોતે જે ઉપચાર શીખતી એ પતિ પર અજમાવીને પ્રૅક્ટિકલ કરતી. ગામમાં વાતો ફેલાઈ ગઈ અને બહેન ડૉક્ટર બની ગયાં. ઉત્સાહમાં આવીને વાંગે ક્લિનિક પણ ખોલી નાખ્યું અને ૫૦૦૦ રૂપિયા લઈને લોકોની બીમારી દૂર પણ કરવા માંડી. દરદીઓ સાજા થઈ જતા ત્યાં સુધી કોઈ વાંધો નહોતો આવ્યો, પણ એક વાર લી નામનો એક દરદી સારવાર માટે આવ્યો. ફાઇનલ સેશન પૂરું થયું અને લી જેવો બેસવા ગયો ત્યાં જ ઢળી પડ્યો અને ‘રામનામ સત્ય’ થઈ ગયું. તેનો ચહેરો કાળો અને પગ નબળા થઈ ગયા હતા. હૉસ્પિટલ લઈ ગયા ત્યાં ખબર પડી કે ઍક્યુપંક્ચર-સેશન પછી તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. વાંગ પર કેસ થયો અને મહિલાને વળતર ચૂકવવાનો આદેશ કોર્ટે કર્યો, પણ સાથોસાથ ૧૮ મહિનાની જેલની સજા પણ કરી. 

offbeat news china international news world news viral videos life masala