03 May, 2023 12:27 PM IST | Perth | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મોબાઇલ દ્વારા વિડિયો શૂટિંગ બહુ સહેલું થઈ ગયું છે. આપણે નાની-મોટી દરેક ઘટનાનું વિડિયો-શૂટિંગ કરતા હોઈએ છીએ, પણ ઘણી વખત આપણે આ વિડિયો શૂટિંગ બંધ કરવાનું ભૂલી જઈએ છીએ ત્યારે મોટી મુસીબતમાં મુકાઈ જઈએ છીએ. આવી જ એક ઘટના ઑસ્ટ્રેલિયાના પર્થમાં નોંધાઈ હતી. રેબેકા ઝેમેક નામની મહિલાએ પોતાના પાલતુ ડૉગની બીમારીનો એક વિડિયો પોતાના પતિ સાથે અન્ય મિત્રોને બતાવી રહી હતી. વિડિયોની શરૂઆતમાં ડૉગને લઈને વાત કરે છે. વાત પૂરી થયા બાદ તે મોબાઇલ બાજુએ મૂકી દે છે. રેબેકાને એમ હોય છે કે તેણે મોબાઇલનું રેકૉર્ડિંગ બંધ કરી દીધું હશે, પણ એવું નહોતું. એ દરમ્યાન એક અજાણી વ્યક્તિ ત્યાં આવે છે અને રેબેકાને ભેટે છે અને બન્ને એકમેકને કિસ કરે છે. એ જોઈને બધા આશ્ચર્યચકિત થાય છે. પતિ પૂછે છે કે આ વ્યક્તિ કોણ છે? બધાની વચ્ચે પકડાઈ જવાની બીકે રેબેકા તેને પોતાનો ભાઈ ગણાવે છે. દરમ્યાન ગ્રુપમાંથી કોઈક કહે છે કે હું મારા ભાઈને આ રીતે કિસ નથી કરતી. રેબેકા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આમાં કંઈ ખોટું નથી. પતિ બીજી વખત વિડિયો ચાલુ કરવાનું કહે છે અને કહે છે કે હું તારા ભાઈને ઓળખું છું. તે ફરી રેબેકાને પૂછે છે ત્યારે તે ફરી પોતાનો ભાઈ હોવાનું જણાવે છે. આખરે રેબેકા અન્ય વ્યક્તિ સાથેનો સંબંધ સ્વીકારી લે છે.