આંધ્ર પ્રદેશના આ ગામમાં લોકો વરસાદ પડતાં જ હીરા શોધવા નીકળી પડે છે, ૬ મહિના સુધી ટેન્ટમાં રહે છે

21 May, 2024 10:52 AM IST  |  Amaravati | Gujarati Mid-day Correspondent

પ્રી-મૉન્સૂન આવતાં જ કુર્નૂલમાં તુગ્ગાલી, જોન્નાગિરિ, મડ્ડીકેરા સહિતનાં ગામડાંના લોકો હીરા શોધવા નીકળી પડ્યા છે

પ્રતીકાત્મક તસવીર

લોકો ગરમીની મોસમથી કંટાળીને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. જોકે આંધ્ર પ્રદેશના અમુક વિસ્તારોમાં લોકો વરસાદની રાહ એટલા માટે જુએ છે જેથી હીરા શોધી શકાય. આંધ્રના કુર્નૂલ, અનંતપુર, ગુંટુર સહિતના વિસ્તારોમાં હીરાના ખડકો મળી આવે છે. આ હીરા મોટા ભાગે કિમ્બરલાઇટ/લેમ્પ્રોઇટ નામના અગ્નિકૃત ખડકોમાં હોય છે. આ વખતે પ્રી-મૉન્સૂન આવતાં જ કુર્નૂલમાં તુગ્ગાલી, જોન્નાગિરિ, મડ્ડીકેરા સહિતનાં ગામડાંના લોકો હીરા શોધવા નીકળી પડ્યા છે. કેટલાક પરિવાર તો જૂનથી નવેમ્બર દરમ્યાન હીરા શોધવા માટે ઘર ભાડે આપીને નીકળી જાય છે અને જુદા-જુદા વિસ્તારમાં ટેન્ટ બાંધીને રહે છે.

હીરાના વેપારીઓ અને સ્થાનિક લોકોનું માનવું છે કે ચોમાસામાં અને ખાસ કરીને સીઝનના પહેલા વરસાદમાં માટીનો ઉપલો સ્તર ધોવાઈ જાય ત્યારે આ હીરા સપાટી પર આવી જાય છે. મોટા ભાગે હીરાની શોધખોળ ખેતીની જમીનમાં થાય છે એટલે ખેડૂતોએ આ દિવસો દરમ્યાન લોકોને દૂર રાખવા માટે બોર્ડ મૂકવાં પડે છે. 

andhra pradesh offbeat news national news