04 August, 2024 03:54 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ફોટોગ્રાફરે ઘરે આવીને ધ્યાનથી ફોટો જોયો તો દીપડાની બન્ને આંખનો રંગ જુદો-જુદો હતો
આપણે ધાર્યું હોય એના કરતાં વધારે મળે ત્યારે જે થાય એવો આનંદ ફોટોગ્રાફર ધ્રુવ પાટીલને થયો હતો. પશુ-પક્ષીઓની ફોટોગ્રાફી કરવા માટે જાણીતા ધ્રુવ પાટીલ કર્ણાટકના બાંદીપુરની એક સફારીમાં ફોટો પાડતા હતા. તેમણે એક વૃક્ષ પર બેઠેલી વૃદ્ધ દીપડી એટલે કે માદા દીપડાની તસવીર લઈ લીધી. તેમને એવું જ હતું કે એક મસ્ત ક્લિક મળી ગઈ, પણ ઘરે આવ્યા અને એ ફોટો ધ્યાનથી જોયો તો આંખ પહોળી થઈ ગઈ. આંખ પહોળી થવાનું કારણ પણ દીપડાની આંખ જ હતી. તેમણે જોયું તો દીપડાની બન્ને આંખના રંગ જુદા-જુદા હતા! એક આંખનો રંગ લીલાશ પડતો આસમાની હતો અને બીજી આંખનો રંગ ભૂખરો હતો. એક અદ્ભુત ક્લિકની સાથોસાથ અલભ્ય દીપડાની તસવીર પણ હાથ લાગી ગઈ હતી. જોકે અજાયબી જેવી લાગતી આ સ્થિતિને હેટરોક્રોમિયા કહેવાય છે. માતાપિતામાંથી આવેલા જનીનોને કારણે ઘણી વાર આવું બને છે.