પુરુષો કરતાં મહિલાઓ વધુ સમય શા માટે સૂએ છે? મુંબઈનાં ડૉક્ટરે કારણો આપ્યાં

03 October, 2024 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક અભ્યાસમાં પણ કહેવાયું છે કે મહિલાઓ આખો દિવસ મગજનો વધુ ઉપયોગ કરતી હોય છે એટલે પુરુષો કરતાં વધુ સૂએ છે. નીંદર-નિષ્ણાત ડૉ. નિવેદિતા કુમારના મતે સારા સ્વાસ્થ્ય માટે સારી નીંદર ખૂબ મહત્ત્વની છે.

એ આઈ નાં મદદથી સપનાં પણ રેકૉર્ડ કરી શકાશે

માણસે રોજ ૭થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ એ સર્વસામાન્ય વાત છે, પરંતુ મુંબઈની ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક હૉસ્પિટલનાં સ્ત્રીરોગનાં નિષ્ણાત ડૉ. સોનમ સિમ્પટવાર કહે છે કે પુરુષો કરતાં મહિલાઓને વધુ ઊંઘની જરૂર હોય છે અને એટલે જ ૭-૮ કલાકની નીંદર કર્યા પછી પણ મોટા ભાગની મહિલાઓને વધુ સમય સૂઈ રહેવાની ઇચ્છા થાય છે. એક અભ્યાસમાં પણ કહેવાયું છે કે મહિલાઓ આખો દિવસ મગજનો વધુ ઉપયોગ કરતી હોય છે એટલે પુરુષો કરતાં વધુ સૂએ છે. નીંદર-નિષ્ણાત ડૉ. નિવેદિતા કુમારના મતે સારા સ્વાસ્થ્ય માટે સારી નીંદર ખૂબ મહત્ત્વની છે. નીંદર સારી આવે તો મસ્તિષ્ક એનું કામ ઘણું સારી રીતે કરી શકે છે. હૃદય સ્વસ્થ રહે છે, પાચનક્રિયા સારી રહે છે, ચામડી અને વાળની ગુણવત્તા પણ વધે છે. ઉંમર પણ વધારે છે. આ તો થઈ શારીરિક બાબતો, પણ સારી નીંદરથી લાગણીઓને પણ યોગ્ય રીતે નિયંત્રિત કરી શકાય છે. સારું ઊંઘનારા લોકોમાં ચિંતા અને હતાશાનું સ્તર ઓછું હોય છે. કામ પણ સારી રીતે કરી શકે છે.

અપૂરતી નીંદર મળતી હોય તો ઑલ્ઝાઇમર્સ થાય, મેદસ્વી થઈ જવાય કે પછી હૃદયરોગ કે સ્ટ્રોક પણ આવે. માણસ જ્યારે નિદ્રાધીન હોય ત્યારે તેના શરીરમાં કોષોનું રિપેરિંગકામ ચાલતું હોય છે. માંસપેશીઓમાં વધારો થતો હોય છે. નવજાત બાળકો અને નાનાં બાળકોને સૌથી વધુ નીંદરની જરૂર પડે છે. સરેરાશ વયસ્કે રાત્રે ૭થી ૯ કલાકની નીંદર કરવી જોઈએ અને વૃદ્ધોએ ૭-૮ કલાક સૂવું જોઈએ.

હવે સપનાં પણ રેકૉર્ડ કરી શકાશે

ઘણી વાર રાતે જોયેલું સપનું સવારે ધૂંધળું કે સાવ ભૂલી જવાતું હોય છે, પણ હવે એની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે સપનું રેકૉર્ડ કરી શકાશે અને સવારે ચાપાણી પીધા પછી એ પાછું જોઈ પણ શકાશે. જપાનના સંશોધકોએ એ માટે એક મશીન બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. સંશોધકોએ મગજની ઍક્ટિવિટી સમજવા માટે ઍડ્વાન્સ ન્યુરલ ઇમેજિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નૉલૉજીથી સપનાં રેકૉર્ડ કરવા માટે મસ્તિષ્કની તમામ પ્રવૃત્તિઓને રેકૉર્ડ કરવામાં આવે છે. ઊંઘમાં આવતાં સપનાં સૌથી સ્પષ્ટ હોય છે અને એ સમયે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને મગજના તરંગોની પૅટર્નને સપનાના દૃશ્યમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ રીતે ઊંઘમાં જોયેલું સપનું માણસ બીજી વાર જાગતી આંખે જોઈ શકશે. આ ડિવાઇસથી વ્યક્તિગત અનુભવો તો સમજી જ શકાશે, પરંતુ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનું નિરીક્ષણ પણ કરી શકાશે એવું સંશોધકોનું કહેવું છે.

ai artificial intelligence health tips mumbai offbeat news news life masala