26 August, 2024 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાવિશ અગરવાલ
ઓલાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ભાવિશ અગરવાલે શનિવારે સોશ્યલ મીડિયા પર કીબોર્ડનો એક ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘કેમ લોકો, ખાસ કરીને ફાઇનૅન્સ જગતના લોકો, હજીયે રૂપિયાના સિમ્બૉલને બદલે INR વાપરે છે? મને નવાઈ લાગે છે કે આપણે ભારતમાં વેચાતી પ્રોડક્ટ્સ પર અમેરિકન ડૉલરના સિમ્બૉલને બદલે હજી સુધી કેમ ભારતીય રૂપિયાનો સિમ્બૉલ રિપ્લેસ નથી કરી શક્યા?’ ૨૪ કલાકની અંદર આ પોસ્ટ જબરી વાઇરલ થઈ ગઈ અને ૧૫ લાખથી વધુ વ્યુઝ સાથે જબરદસ્ત ડિબેટ પણ ફાટી નીકળી. દેખીતી રીતે દેશપ્રેમની ભાવના આ ટ્વીટમાં દેખાય છે, પણ કેટલાય સોશ્યલ મીડિયા યુઝર્સે તેમને આ મુદ્દે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કોઈકે લખ્યું હતું કે ‘દેશપ્રેમ અને અંધ ભક્તિમાં બહુ પાતળી ભેદરેખા છે જે તમે ક્રૉસ કરી લીધી છે. આવું તમે જાણીબૂજીને કરો છો કે અજાણતાં એ સમજાતું નથી.’
ડૉલરની સાઇન અનેક કોડિંગ સિસ્ટમમાં પણ ખૂબ ઊંડી રીતે વણાઈ ગઈ હોવાથી એનો કીબોર્ડમાં સમાવેશ કરવો બહુ જરૂરી છે એવું કેટલાક લોકોએ કહ્યું હતું, તો બીજી તરફ ડૉલરની સાઇન માઇક્રોસૉફ્ટ એક્સેલમાં પણ કેટલીક ફૉર્મ્યુલામાં વપરાય છે એના વિશે પણ ભાવિશ અગરવાલ જાણતા નથી? એવો સવાલ ઉઠાવ્યો હતો. એક યુઝરે તો ભાવિશ અગરવાલના એક જૂના પ્રેઝન્ટેશનના વિડિયોનો સ્ક્રીન-શૉટ શૅર કરીને લખ્યું હતું, ‘પહેલાં તમારા પ્રેઝન્ટેશનમાં ડૉલરની સાઇનને બદલે રૂપિયાનો સિમ્બૉલ વાપરવાનું શરૂ કરો.’