04 August, 2024 03:33 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ પોસ્ટ
‘અગ્નિપથ’માં બચ્ચનમોશાયનો એક મસ્ત ડાયલૉગ છે, ‘અપના ભી ઉસૂલ હૈ, સવાલ જીસ જબાન મેં કિયા જાય, જવાબ ઉસી જબાન મેં દેના ચાહિએ...’ યાદ આવ્યુંને! હા, એક ટીચરે કદાચ મજાકમાં જ પેપરમાં સવાલ પૂછ્યો કે ‘દરેક ચલણી નોટ પર ગાંધીજી શું કામ હસતા હોય છે?’ હવે બોલો, આવો કાંઈ સવાલ હોતો હશે! આનો જવાબેય શું દઈએ!? પણ ટીચરનેય તેમના ક્લાસનો એક છોકરો માથાનો મળ્યો. તેણે જવાબ આપી દીધો કે ‘ગાંધીજી રડે તો નોટ પલળી જશે!’ છેને બાકી, શેરને માથે સવા શેર! ટીચર ખુશ થઈ ગયા અને પેપરમાં વેરી ગુડ લખીને ૧૦માંથી ૧૦ માર્ક આપી દીધા. જોકે આ ઘટના ક્યાંની છે એવું ન પૂછતા, કારણ કે નાપાસ થઈ જવાશે. સોશ્યલ મીડિયામાં આ ફોટો અને વિડિયો એટલા વાઇરલ થયા છે કે ન વાત પૂછો. ટૂંકમાં, આ આખી ઘટનામાં આવા અઘરા સવાલ ન પૂછવાનું જ મહત્ત્વનું છે. તોય છેલ્લે-છેલ્લે તમને સૌને એક સવાલ પૂછી જ નાખીએ, ‘બોલો, એક ઇંચ વરસવા માટે વાદળે કેટલું પાણી ભરવું પડે?’ જવાબ કહેજો હોં!