ભાડાપટ્ટે લીધેલી જમીનમાં ખોદકામ કરતાં ખેડૂતને ૭૫ લાખ રૂપિયાનો હીરો મળ્યો

08 August, 2024 10:33 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

દિલીપે ૧૬ કૅરૅટ ૧૦ સેન્ટનો હીરો હીરાના કાર્યાલયમાં જમા કરાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

મધ્ય પ્રદેશનો પન્ના જિલ્લો હીરાનગરી તરીકે જાણીતો છે. અહીંની ધરતીમાંથી મનોજકુમારના ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે...’ની જેમ ગમે ત્યારે હીરા નીકળવાના કિસ્સા બહુ ચમકે છે. હજી મંગળવારની જ વાત છે. પન્ના જિલ્લાના ખેડૂત દિલીપ મિસ્ત્રીએ ત્રણ સાથી સાથે મળીને જરુઆપુર ગામની એક જમીન ખોદકામ માટે ભાડાપટ્ટે લીધી હતી. મજૂરોએ ખોદકામ શરૂ કર્યું એની થોડી વારમાં જમીનમાંથી હીરો નીકળ્યો અને દિલીપ મિસ્ત્રીની આંખમાં ચળકાટ દેખાયો. દિલીપે ૧૬ કૅરૅટ ૧૦ સેન્ટનો હીરો હીરાના કાર્યાલયમાં જમા કરાવ્યો છે. એની કિંમત અંદાજે ૭૫ લાખ રૂપિયા ગણાવાઈ રહી છે. લિલામીના રૂપિયાથી દિલીપે ઘરની સ્થિતિ સુધારવાનાં સપનાં જોઈ રાખ્યાં છે. આ વર્ષે ૬ મહિનામાં જ ૧૧ હીરા જમા થયા છે.

offbeat news madhya pradesh national news india