વીસ વર્ષ સુધી હથોડો માનીને મસાલા ખાંડ્યા એ તો ગ્રેનેડ નીકળ્યો

04 July, 2024 09:57 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ખેતરમાંથી લાકડાના હૅન્ડલવાળો એક લોખંડનો પીસ મળ્યો હતો

ગ્રેનેડ

ક્યારેક કોઈ ચોક્કસ સાધન ન મળે તો ઘરમાં જે હાથવગું હોય એનાથી કામ ચલાવી લેતા હોઈએ છીએ. આવું જ કંઈક ચીનના હુબેઈ પ્રાંતમાં રહેતી ક્વીન અટક ધરાવતી મહિલાએ વીસ વર્ષ પહેલાં કરેલું. તેને પોતાના ખેતરમાંથી લાકડાના હૅન્ડલવાળો એક લોખંડનો પીસ મળ્યો હતો. લોખંડ સારું મજબૂત હતું એટલે તે એને ઘરે લઈ આવી. જ્યારે પણ આખા મસાલા ખાંડવા હોય કે ક્યાંક ખીલી વગેરે ઠોકવી હોય તો એ હથોડા જેવું કામ આપતો. ડ્રાયફ્રૂટ્સનાં કડક છોતરાં છોલવાં હોય તો તે આ હથોડો વાપરતી. વીસ વર્ષ સુધી તે વાપરતી રહી અને જ્યારે એ ઘસાઈ ગયો તો તેણે ભંગારમાં વેચવા માટે કાઢ્યો. એ વખતે રહસ્ય બહાર આવ્યું કે એ તો ચાઇનીઝ હૅન્ડ ગ્રેનેડ હતો. ભંગારવાળાએ તરત પોલીસમાં ખબર કરી અને આ હથોડો વેચનાર ૯૦ વર્ષનાં માજી પાસે પહોંચી ત્યારે હકીકત જાણીને તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ. પોતે વીસ વર્ષથી બૉમ્બથી મસાલા અને ડ્રાયફ્રૂટ કૂટતી હતી એ ખરેખર મોત સાથે ખેલ ખેલવા જેવી વાત હતી.

international news offbeat news china