બ્લુ આધાર કાર્ડ માટે કેવી રીતે અરજી કરશો?

24 February, 2024 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોંધણી માટે માન્ય દસ્તાવેજ તરીકે બર્થ-સર્ટિફિકેટ અથવા હૉસ્પિટલની ડિસ્ચાર્જ સ્લિપ સબમિટ કરવાની રહેશે.

બ્લુ આધાર કાર્ડ

આધાર કાર્ડના ઘણા પ્રકાર છે જેમાં સફેદ આધાર કાર્ડ અને બ્લુ આધાર કાર્ડનો સમાવેશ થાય છે. ૨૦૧૮માં યુઆઇડીએઆઇએ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે ‘બાલ આધાર’ કાર્ડ લૉન્ચ કર્યાં હતાં, જે બ્લુ રંગનાં છે અને એમાં ૧૨ આંકડાનો યુનિક આઇડી નંબર પણ નોંધાયેલો છે. જ્યારે બાળક ૧૫ વર્ષનું થાય ત્યારે તેની આંગળી, આંખ અને ચહેરાના ફોટોગ્રાફ્સનો બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવાનો રહેશે, અન્યથા તેમનું કાર્ડ અમાન્ય થઈ જશે. યુઆઇડીએઆઇ અનુસાર માતા-પિતા તેમના નવજાત બાળક માટે બાલ આધાર માટે અરજી કરી શકે છે. નોંધણી માટે માન્ય દસ્તાવેજ તરીકે બર્થ-સર્ટિફિકેટ અથવા હૉસ્પિટલની ડિસ્ચાર્જ સ્લિપ સબમિટ કરવાની રહેશે. બાલ આધાર કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે બાળકોના સ્કૂલ આઇડીનો પણ ઉપયોગ કરી શકાશે.

બ્લુ આધારના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આ મુજબ છે 
સૌથી પહેલાં યુઆઇડીએઆઇની સત્તાવાર વેબસાઇટ www.uidai.gov.in પર જાઓ.
ત્યાર બાદ આધાર કાર્ડ રજિસ્ટ્રેશન ઑપ્શન પર જાઓ.
બાળકનું નામ, માતા-પિતા અથવા વાલીનો ફોન-નંબર અને અન્ય જરૂરી માહિતી ભરો.
નોંધણી માટે અપૉઇન્ટમેન્ટ સ્લૉટ પસંદ કરી અપૉઇન્ટમેન્ટ બુક કરો.
એ પછી તમારે તમારા બાળક સાથે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે.
તમારા આધાર કાર્ડ, સરનામાનો પુરાવો અને બાળકના બર્થ-સર્ટિફિકેટ સહિતના મહત્ત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ્સ સાથે રાખવાનું ભૂલશો નહીં.
તમારે તમારા આધાર કાર્ડની વિગતો આપવી પડશે, કારણ કે આ માહિતી બાળકના યુઆઇડી સાથે લિન્ક કરવામાં આવશે.
બાળકનો એક ફોટોગ્રાફ લેવામાં આવશે. કોઈ બાયોમેટ્રિક ડેટાની જરૂર નથી.
એ પછી ડૉક્યુમેન્ટના વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થશે.પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે.
ચકાસણી પ્રક્રિયાના ૬૦ દિવસની અંદર બાળકના નામે બ્લુ આધાર કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે.

offbeat news Aadhaar