02 March, 2023 10:34 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પાકિસ્તાનના કુકિંગ શો ‘ધ કિચન માસ્ટર’માંથી એક ક્લિપ હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. ટ્વિટર પર આ પોસ્ટ પત્રકાર અમ્બર ઝૈદીએ શૅર કરી છે, જેમાં એક સ્પર્ધક જજિસની સામે પ્લેટમાં સજાવીને નહીં પરંતુ એક ડિસ્પોઝેબલ કન્ટેનરમાં બિરયાની પ્રસ્તુત કરે છે.
સામાન્યપણે કુકિંગ શોનો મૂળ હેતુ જ ઘરની રસોઈમાં કામ કરતી નિપુણ ગૃહિણીઓને એક મજબૂત પ્લૅટફૉર્મ પૂરું પાડવાનો હોય છે જ્યાં સ્પર્ધકો પોતાની સૂઝબૂઝ કે ઇન્ટરનેટ પર જોયેલી ડિશ બનાવીને રજૂ કરતા હોય છે. આ શોનો એક વણલખ્યો અને સર્વવિદિત નિયમ એ છે કે સ્પર્ધકે પોતે ડિશ બનાવીને લાવવાની હોય છે.
જોકે અહીં આ શોમાં એક સ્પર્ધક રેસ્ટોરાંમાંથી પૅક કરાયેલી બિરયાની જજિસની સામે પ્રસ્તુત કરતાં જણાવે છે કે તેને માત્ર ખાવાનું લઈને આવવા વિશે જ જાણ હતી, પોતે બનાવીને લાવવાની નહીં. તે પોતે પણ આટલી જ સરસ બિરયાની બનાવી શકે છે એવો તે દાવો પણ કરે છે અને જજિસને બિરયાની ચાખી એના વિશે અભિપ્રાય આપવાનો આગ્રહ કરતી જોવા મળે છે, જેનાથી કંટાળીને એક જજ તો પોતાની ખુરશી છોડીને જતા રહે છે.