02 February, 2023 11:22 AM IST | Austin | Gujarati Mid-day Correspondent
‘રોબોટિક’ રેસ્ટોરાં
અત્યારે ટેક્નૉલૉજી જીવનના અનેક અનુભવોને વધારે મજેદાર બનાવી રહી છે. ફાસ્ટ ફૂડ જાયન્ટ મૅક્ડોનલ્ડ્સે આવો જ એક્સ્પીરિયન્સ કરવાનું નક્કી કર્યું હતું. મૅક્ડોનલ્ડ્સે અમેરિકાના ટેક્સસમાં એની પહેલી ઑટોમેટેડ રેસ્ટોરાં શરૂ કરી છે. આ ‘રોબોટિક’ રેસ્ટોરાં સંપૂર્ણપણે ઑટોમેટેડ છે, જ્યાં ઑર્ડર લેવા માટે કોઈ માણસની જરૂર નથી પડતી. કસ્ટમર ઑર્ડર આપે ત્યાંથી લઈને એના પૅકિંગ સુધીની તમામ પ્રોસેસ ઑટોમૅટિક થાય છે. એક ઇન્ટરનેટ-યુઝરે તેના એક્સ્પીરિયન્સનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આકાંક્ષ નામના આ યુઝરે ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તે ટેક્સસમાં નવી શરૂ કરાયેલી રેસ્ટોરાંની બહાર જોવા મળે છે. તે અંદર જઈને કિઓસ્ક દ્વારા તેનો ઑર્ડર આપે છે અને રોબો એ ડિલિવર કરતો જોવા મળે છે. ત્યાર બાદ તે મોબાઇલ ઍપ્લિકેશન મારફત પણ બીજો ઑર્ડર આપતો જોવા મળ્યો હતો, જે ઑર્ડર એક વિન્ડોમાંથી ડિલિવર કરવામાં આવ્યો હતો.