04 September, 2023 10:15 AM IST | Transylvania | Gujarati Mid-day Correspondent
યુએફઓ
ઘણા લોકોને જંગલ ખૂંદવાનું ગમતું હોય છે, પણ રોમાનિયાના ટ્રાન્સિલ્વેનિયામાં બે પર્વતમાળા વચ્ચે આવેલા જંગલમાં સ્થાનિક લોકો પણ જતાં ડરે છે. તાજેતરમાં એક ટૂર કંપનીએ લોકોને આ જંગલમાં લઈ જવાનું શરૂ કર્યું છે, જ્યાં અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ (યુએફઓ), વિચિત્ર પડછાયા અને અલૌકિક ઘટનાઓ જોવા મળે છે.
સ્થાનિક દંતકથા મુજબ આ વિસ્તારનું નામ બેસિયું નામના એક ભરવાડના નામ પરથી પાડવામાં આવ્યું છે, જે ૨૦૦ ઘેટાંને લઈને આ ભૂતિયા જંગલમાં ગયો હતો. ત્યાર બાદ તે પાછો આવ્યો નહોતો. વળી આ ભૂતિયા જંગલમાં એક ગોળાકાર વિભાગ પણ છે જ્યાં કોઈ વનસ્પતિ ઊગતી નથી. વળી કિનારા પર ઊગતાં વૃક્ષો પણ વાંકાચૂંકા પેટર્નમાં મોટાં થાય છે. વૈજ્ઞાનિકોએ શા માટે અહીં કંઈ ઊગતું નથી એ જાણવા માટે માટીના નમૂના લીધા હતા, પણ કંઈ કહી શક્યા નહોતા. બાયોલૉજિસ્ટ ઍલેક્ઝાન્ડ્રા સિફ્ટે ૧૯૬૦માં એક ઊડતી રકાબીના ફોટો લીધા હતા. તો અન્ય એક મિલિટરી ટેક્નિશ્યન ઇમેલ બર્નિયાએ પણ ઊડતી રકાબીના ફોટો ૧૯૬૮માં લીધા હતા. ત્યાર બાદ ત્યાં યુએફઓ હોવાની વાત શરૂ થઈ હતી. જોકે ફોટોની ચકાસણી કરનારાઓએ મિલિટરી ટેક્નિશ્યનની વાતોને ખોટી હોવાનું પુરવાર કરી હતી, કારણ કે એ દિવસોમાં આકાશમાં અન્ય કોઈ વસ્તુ જોવા મળી નહોતી.
જોકે આ તમામ વાતોને ઘણાં વર્ષો વીતી ગયાં હોવા છતાં હજી ઘણા લોકો આ જંગલમાં માત્ર ટૂર ગાઇડ સાથે જ જવાનું પસંદ કરે છે. અહીં જતા પ્રવાસીઓને પણ વિચિત્ર અનુભવ થાય છે. કેટલાકે વૃક્ષો પર ન સમજાય એવા ખગોળીય ગોળાઓના ફોટો લીધા છે. કેટલાકને ત્યાં ઊબકા અને ચક્કર આવવા જેવું અનુભવાય છે. એક પ્રવાસીએ કહ્યું કે મારો ફોનમાં એક વિચિત્ર ફોટો હતો જે મેં પાડ્યો નહોતો.