આ ડૉગ દરરોજ લોકલ ટ્રેનમાં બોરીવલીથી અંધેરી જાય છે

23 May, 2023 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી આ ક્લિપને ૮.૩ લાખ કરતાં વધુ વ્યુઝ તથા એક લાખ કરતાં વધુ લાઇક્સ મળી છે.

આ ડૉગ દરરોજ લોકલ ટ્રેનમાં બોરીવલીથી અંધેરી જાય છે

લોકલ ટ્રેન મુંબઈની લાઇફલાઇન ગણાય છે. એક દિવસ પણ જો ટ્રેન બંધ રહે તો જાણે મુંબઈ ધબકવાનું ભૂલી જાય. લાખો પ્રવાસીઓ પોતાના ગંતવ્ય સ્થળે સમયસર પહોંચવા માટે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે, પણ શું તમે ક્યારેય કલ્પના પણ કરી શકો કે લોકલ ટ્રેન મુંબઈગરાઓની જેમ અન્ય કોઈ માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે? 

તાજેતરમાં ઇન્ડિયા કલ્ચરલ હબ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડિયો-ક્લિપ પોસ્ટ થઈ છે, જેમાં એક ડૉગી દરરોજ બોરીવલીથી અંધેરી પ્રવાસ કરે છે અને સાંજે પાછો બોરીવલી આવી જાય છે. બોરીવલીથી ટ્રેનમાં ચડીને એ દરવાજા પાસે શાંતિથી બેસી જાય છે. આવતા-જતા લોકો તેને જોતા રહે છે, પણ ડૉગી દરવાજા પાસે બેસીને બહારનાં દૃશ્યોનો આનંદ માણતો હોય છે. વિડિયો-ક્લિપની કૅપ્શનમાં લખાયું છે, ‘મળો લોકલ ટ્રેનના રેગ્યુલર પ્રવાસીને.’

આ પણ વાંચો : મરઘીને પોપટ તરીકે વેચવા માટે મૂકી

વિડિયોએ થોડા સમયમાં જ નેટિઝન્સને આકર્ષિત કર્યા છે. અત્યાર સુધી આ ક્લિપને ૮.૩ લાખ કરતાં વધુ વ્યુઝ તથા એક લાખ કરતાં વધુ લાઇક્સ મળી છે. ઘણા વ્યુઅર્સે ડૉગીની ટ્રેનનો સમય જાણવા માગ્યો છે, તો ઘણાએ ટ્રેનમાં ચડતા-ઊતરતા લોકો ડૉગને ઈજા ન પહોંચાડે એની ચિંતા વ્યક્ત કરી છે. જોકે એક વ્યુઅરે કહ્યું કે મેં આ ડૉગીને ટ્રેનમાં પ્રવાસ કરતો જોયો છે, રોજ રાતે એ ફરી પાછો બોરીવલી આવી જાય છે.

offbeat news viral videos national news mumbai local train andheri borivali