14 August, 2024 02:48 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ફોટો પાડવા યુવકે સિંહના પાંજરામાં હાથ નાખ્યો
સોશ્યલ મીડિયામાં પ્રાણીસંગ્રહાલયના પાંજરામાં પુરાયેલા એક સિંહનો વિડિયો ખૂબ વાઇરલ થયો છે. એક યુવક સિંહનો સારો ફોટો આવે એ માટે પાંજરાની નીચેથી કૅમેરા સાથે પોતાનો હાથ પણ અંદર લંબાવે છે. તેનું ધ્યાન કૅમેરા પર જ છે, પરંતુ સિંહભાઈ ધીમી ચાલે આ યુવકના હાથ તરફ આવે છે. સામાન્ય રીતે આવા સમયે સિંહ તરાપ મારીને યુવકનો હાથ પકડી લેશે એવી ધારણાથી લોકો ભયભીત થઈ ઊઠે છે, પણ સિંહભાઈ અપેક્ષાથી તદ્દન વિપરીત કામ કરે છે. એ પેલા યુવકના હાથને પોતાના પગના સૉફ્ટ ભાગથી હળવેકથી સ્પર્શ કરે છે અને હાથને પાંજરાની બહાર ખદેડી દે છે. જાણે સિંહ કહેતો હોય, ‘દોસ્ત, હાથ અંદર ન નાખ.’