29 March, 2025 12:27 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનની બસનો એક મહિલા કન્ડક્ટરનો વિડિયો વાઇરલ થયો છે
રાજ્ય સરકાર સંચાલિત બસોમાં પીક સીઝનમાં મુસાફરોની ભીડ ખૂબ વધી જાય ત્યારે છેક પાછળ સુધી જઈને ટિકિટ કાપવાનું કામ કન્ડક્ટર માટે અઘરું હોય છે. આમતેમ ઝોલાં ખાતી ચાલતી બસ અને હૈયેહૈયું દળાય એટલી ભીડમાં ભલભલા પુરુષ કન્ડક્ટરોને પણ મુશ્કેલી પડતી હોય છે ત્યારે રાજસ્થાનની બસનો એક મહિલા કન્ડક્ટરનો વિડિયો વાઇરલ થયો છે. લેડી કન્ડક્ટર સીટોના હૅન્ડલ પર પગ મૂકી બૅલૅન્સ જાળવીને બસના ખૂણે-ખૂણે જઈને ટિકિટ આપતી હોવાનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ સરાહના પામ્યો છે. જબરદસ્ત ભીડમાં કોઈકે છુપાઈને આ ઘટનાનો વિડિયો લીધો છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘બહાદુર મહિલા કન્ડક્ટર. વધુ ભીડ હોવાથી કન્ડક્ટરે સીટ પર બેસીને ટિકિટ કાપવી પડી.’
કોઈકે એના પર કમેન્ટ કરી છે કે ‘આ બસ જયપુરથી ટાંક જઈ રહી છે. તમારી હિંમતને સલામ મૅમ!’
બીજા એક યુઝરે લખ્યું છે, ‘જો કોઈ ટિકિટ વિના છટકવાની કોશિશ કરે તો આ મહિલા તેને પકડીને ઝૂડી પણ નાખે છે.’