24 June, 2024 03:26 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આઇસક્રીમના શોખીનો માટે આજે વૅનિલા, ચૉકલેટ, બટરસ્કૉચ જેવી કૉમન ફ્લેવર સિવાય પણ અનેક ફ્લેવર ઉપલબ્ધ છે. કેટલાક લોકો બારેમાસ આઇસક્રીમ ખાય છે અને દર વખતે જુદી-જુદી ફ્લેવર ટ્રાય કરે છે. અમુક જગ્યાએ તો ચિલી અને ગાર્લિક જેવા વિચિત્ર ફ્લેવરના આઇસક્રીમ પણ મળે છે. જોકે સોશ્યલ મીડિયા પર તાજેતરમાં જે આઇસક્રીમની રેસિપી વાઇરલ થઈ રહી છે એને જોઈને દરેક આઇસક્રીમપ્રેમીને જોરદાર આંચકો લાગ્યો છે.
તમે અત્યાર સુધી પાન કે ગુલકંદ જેવી ફ્લેવર વિશે સાંભળ્યું હશે, પણ એક ભાઈએ તો પાનમસાલા નાખીને આઇસક્રીમ તૈયાર કર્યો હતો. વિડિયોમાં આ ભાઈ વિમલ પાનમસાલાનું પાઉચ ખોલીને એના આઇસક્રીમ-રોલ બનાવે છે. આ રોલ તૈયાર થઈ ગયા બાદ વ્યક્તિ એના પર પાનમસાલો ભભરાવીને આઇસક્રીમને ચૉકલેટ સિરપ, ચૉકલેટ ચિપ્સ અને ઓરિઓ બિસ્કિટથી સજાવે છે. પાછું કોઈ ખાસ વસ્તુની જેમ વિમલ પાઉચને આઇસક્રીમ સાથે પ્લેટમાં રાખી દે છે. લોકોને આ આઇસક્રીમનો વિડિયો જોઈને એટલી સૂગ ચડી કે તેમણે લખ્યું કે બસ આ જ દિવસ જોવાનો બાકી હતો.