09 May, 2023 12:58 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
૧૫ ફુટ લાંબા કોબ્રાને રેસ્ક્યુ કરાયો
કોબ્રા વિશ્વનો સૌથી ઝેરી સાપ પૈકીનો એક છે. તાજેતરમાં કર્ણાટકનો એક વિડિયો બહાર આવ્યો છે જેમાં ૧૫ ફુટ લાંબા કિંગ કોબ્રાને એક ઘરના વરંડામાં પાર્ક કરેલી કારમાંથી બહાર કાઢીને બચાવવામાં આવે છે. શિવમોગા જિલ્લાના અગુમ્બે નામક ગામમાંથી સ્નેક કૅચર કોબ્રાને પકડે છે. જો આ સાપ કરડે તો એના એક જ ડંખમાં એક હાથી અને ૨૦ જેટલા માણસો મરી શકે એટલું ઝેર હોય છે. કર્ણાટકના વેસ્ટર્ન ઘાટમાં આટલી વિશાળ લંબાઈ ધરાવતા કોબ્રા સાપ અને અજગર જોવા મળે છે. કોબ્રા ૧૮ ફુટ જેટલા લાંબા પણ હોય છે. આવા સાપ બીજા સાપને ખાઈ જનારાઓની શ્રેણીમાં આવે છે.
આ સાપ કારના બમ્પરમાં છુપાયો હતો. વળી એની લંબાઈ એટલીબધી હતી કે જયકુમાર એસએસ જેવા નિષ્ણાત સ્નેક કૅચર જ એને પકડી શકે. વળી આ સાપ આ કારની નીચેથી હટવા પણ તૈયાર નહોતો. આસપાસના લોકો થોડા ડર્યા હતા પણ સ્નેક કૅચરે તેમને નહીં ડરવા કહ્યું, કારણ કે આખરે તો એ એક સાપ જ હતો. જયકુમાર લોકોમાં સાપને લઈને ખોટો ડર ન બેસે એને દૂર કરવાનો પ્રયાસ કરે છે તેમ જ દેશના સૌથી ઝેરી સાપને બચાવવાનો પણ પ્રયાસ કરે છે. કોબ્રાને ત્યાંથી રેસ્ક્યુ કર્યા બાદ જંગલમાં છોડી મૂકવામાં આવે છે. વળી અનેક કૅમેરાની મદદથી એવું બતાડવામાં આવ્યું છે કે આ સાપ માનવ સામે આક્રમક નથી. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના ઑફિસર સુશાંત નંદાએ આ વિડિયો શૅર કરતાં લખ્યું છે કે કોબ્રા કુદરતના સંતુલન માટે જરૂરી છે પરંતુ કોઈએ આવું જાતે કરવાનો પ્રયાસ કરવો નહીં.