21 January, 2025 12:51 PM IST | Ajmer | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયામાં રાજસ્થાનના એક ભિખારી પાસેના આઇફોન 16 પ્રો મૅક્સનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં આ દિવ્યાંગ ભિખારી જણાવી રહ્યો છે કે તેણે આ ફોન ૧.૪૪ લાખ રૂપિયા રોકડા આપીને ખરીદ્યો છે. આ પહેલાં એક કબાડીવાલાએ દીકરાને આઇફોન ગિફ્ટ કર્યાનો વિડિયો પણ વાઇરલ થયો હતો. પણ ભિખારીએ ખુદ આ ફોન ખરીદ્યો છે એ વાતે લોકોને ચોંકાવી દીધા છે. આ વિડિયો શૅર કરનારો યુવાન ભિખારીને પૂછે છે કે આ ફોન તેણે કેવી રીતે ખરીદ્યો તો ભિખારી જવાબ આપે છે કે ભીખ માગીને મેં આ ફોન ખરીદ્યો છે.
જે ફોન ભિખારીના હાથમાં છે એ સપ્ટેમ્બર મહિનામાં જ લૉન્ચ થયો છે. આ ભિખારીને પગ નથી અને ભીખ માગીને જીવન વિતાવે છે. તેના હાથમાં મોંઘામાં મોંઘો ફોન છે અને એ પણ તેણે ભીખમાં મળેલા પૈસાથી ખરીદ્યો છે. આ વિડિયો જોઈને લોકો પણ અજબગજબની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક જણે લખ્યું હતું કે હવે રોટી આપવાનો વાયદો કરો, રોકડા નહીં. બીજાએ લખ્યું છે કે મેં તો ભીખ આપવાનું બંધ કરી દીધું છે, તમે પણ બંધ કરી દો. જોકે કેટલાક લોકોએ આ વિડિયો સ્ક્રિપ્ટેડ હોવાની અને વાઇરલ કરવાની યોજના સાથે બનાવ્યો હોવાની શંકા પણ વ્યક્ત કરી છે.