ઍમૅઝૉન પર આ‌ૅર્ડર કરેલું પૅકેજ ખોલ્યું તો એમાંથી કોબ્રા નીકળ્યો

20 June, 2024 02:56 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ કપલને રીફન્ડ તો મળ્યું પણ તે ઍમેઝૉનની પ્રતિક્રિયાથી બિલકુલ સંતુષ્ટ થયું નહોતું.

ઍમૅઝૉન પર આ‌ૅર્ડર કરેલું પૅકેજ ખોલ્યું તો એમાંથી કોબ્રા નીકળ્યો

ઑનલાઇન શૉપિંગ કરવામાં એકના બદલે બીજી જ વસ્તુ પૅકેજમાંથી નીકળે એવા ઘણા કિસ્સા જોવા મળે છે. કર્ણાટકના એક કપલને તાજેતરમાં આ મામલે ભયાનક અનુભવ થયો હતો. સૉફ્ટવેર એન્જિનિયર પતિ-પત્નીએ ઍમેઝૉન પર Xbox કન્ટ્રોલરનો ઑર્ડર આપ્યો હતો, પણ પૅકેજ ખોલતાં જ એમાંથી ઝેરી કોબ્રા બહાર નીકળ્યો હતો. સદ‍્નસીબે સાપ પૅકેજિંગ ટેપમાં ફસાઈ ગયો હતો એટલે કોઈને નુકસાન થયું નહોતું. કપલે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો, જે વાઇરલ થઈ ગયો હતો.

તેમણે લખ્યું હતું કે ‘અમે બે દિવસ પહેલાં ઍમેઝૉન પર એક Xbox કન્ટ્રોલરનો ઑર્ડર આપ્યો હતો અને પૅકેજમાં એક જીવતો સાપ નીકળ્યો હતો.’ કપલે ઍમેઝૉન કસ્ટમર સપોર્ટની ઝાટકણી કાઢતાં આરોપ મૂક્યો હતો કે આટલો ગંભીર મામલો હોવા છતાં તેમને બે કલાકથી વધુ સમય માટે હોલ્ડ પર રાખવામાં આવ્યાં હતાં એટલે તેમને અડધી રાતે જાતે જ સાપથી છુટકારો મેળવવો પડ્યો હતો. આ કપલને રીફન્ડ તો મળ્યું પણ તે ઍમેઝૉનની પ્રતિક્રિયાથી બિલકુલ સંતુષ્ટ થયું નહોતું.

offbeat news bengaluru viral videos karnataka microsoft amazon national news