25 June, 2024 02:10 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
આર્ટિસ્ટે રસ્તા પર થોડી વારમાં જ ટ્રાફિક-પોલીસનો આબેહૂબ સ્કેચ દોરી બતાવ્યો હતો
ક્યારેક એક નાનકડું જેસ્ચર પણ વ્યક્તિનો દિવસ સુંદર બનાવી નાખે છે અને તેને લાઇફટાઇમ મેમરી આપી જાય છે. સોશ્યલ મીડિયા પર એક મસ્તમજાનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં એક આર્ટિસ્ટે રસ્તા પર થોડી વારમાં જ ટ્રાફિક-પોલીસનો આબેહૂબ સ્કેચ દોરી બતાવ્યો હતો. પોતાનું ચિત્ર જોઈને આકરી ગરમીમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક-પોલીસના ચહેરા પર સ્મિત ફરકી ગયું હતું અને તેઓ આ છોકરાને ભેટી પડ્યા હતા. લવિશ પ્રજાપતિ સ્કેચ-આર્ટિસ્ટ છે જે સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિભા શૅર કરતો રહે છે.
લવિશે તાજેતરમાં રાજસ્થાનનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે રસ્તા પર એક બાજુ ઊભો રહીને ટ્રાફિક-પોલીસનો લાઇવ સ્કેચ બનાવે છે. તેણે પેન-પેન્સિલ વડે પેપર પર નાનામાં નાની ડિટેઇલ સાથેનો સ્કેચ બનાવ્યો હતો, જેને જોઈને ટ્રાફિક-પોલીસને પણ નવાઈ લાગી હતી. આ વિડિયોમાં લવિશે એ ક્ષણો પણ રેકૉર્ડ કરી લીધી હતી જ્યારે તે પોલીસને સ્કેચ આપવા જાય છે અને પછી પોલીસ આ સ્કેચ પોતાના સહયોગીને બતાવે છે. ટ્રાફિક-પોલીસના ચહેરા પર એ દરમ્યાન અમૂલ્ય સ્મિત જોવા મળે છે અને પછી તેઓ ખુશ થઈને યુવાનને ભેટી પડે છે. આર્ટિસ્ટે વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘ટ્રાફિક-પોલીસનું સન્માન કરો.’ આ વિડિયોને બે જ દિવસમાં ૧૦,૦૦૦થી વધુ લાઇક્સ મળી હતી અને લોકોએ છોકરાના લાઇવ સ્કેચિંગની ભારે પ્રશંસા કરી હતી.