ડૉગ, કૅટની જેમ કોઈ પથ્થર પણ પાળે ખરું?

18 April, 2024 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરિયન સમાજમાં માનસિક-આર્થિક સમસ્યાઓ, પારિવારિક મતભેદો જેવા પ્રૉબ્લેમ્સનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે. એટલે જ પેટ રૉક તેમના માટે આશીર્વાદ સમાન છે.

પેટ રૉક

જવાબ હા છે. સાઉથ કોરિયામાં લોકો અવનવા આકારના પથ્થરને પેટ રૉક તરીકે પોતાની પાસે રાખે છે. કોરિયન લોકોનું માનવું છે કે એકાકીપણા વખતે કે મન ઉદાસ હોય એવા સમયે પેટ રૉક માનસિક હૂંફ આપે છે. કેટલાક કોરિયનો એવું પણ માને છે કે તેમના માટે પેટ રૉક આશાના પ્રતીક સમાન છે. અમેરિકી અખબાર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ મુજબ સાઉથ કોરિયામાં પેટ રૉક રાખવાની પ્રથા ૨૦૨૧માં શરૂ થઈ હતી. કોરિયન ટીવી સેલિબ્રિટી અને કે-પોપ ગ્રુપના કેટલાક મેમ્બર્સે જાહેરમાં તેમના પેટ રૉક દર્શાવવાનું શરૂ કર્યું એ પછી લોકોમાં એનો ક્રેઝ વધ્યો હતો.

હવે લોકો પોતાના પેટ રૉકને નામ પણ આપે છે અને મગજ ખરાબ હોય એવી સ્થિતિમાં પેટ રૉક સાથે વાતો કરીને મન શાંત પણ કરે છે. જોકે કોરિયન લોકોને પેટ રૉક જેવા દોસ્તની ખરેખર જરૂર પણ છે.

૨૦૨૩ના એપ્રિલમાં સાઉથ કોરિયાના પરિવાર વિશેની બાબતોના મંત્રીએ સ્વીકાર્યું હતું કે તેમના દેશમાં ૧૯થી ૩૯ વર્ષની વયના ૩.૧ ટકા લોકો જાતને એકલા અનુભવે છે. કોરિયન સમાજમાં માનસિક-આર્થિક સમસ્યાઓ, પારિવારિક મતભેદો જેવા પ્રૉબ્લેમ્સનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે. એટલે જ પેટ રૉક તેમના માટે આશીર્વાદ સમાન છે.

offbeat videos offbeat news social media