દારૂડિયાને અંતિમ વિદાય : ચિતા પર શરાબ ચડાવીને સાથે ચકણું પણ ધરાવ્યું

13 February, 2024 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે લોકો ચિતા પર ફૂલ ચડાવે છે, જ્યારે આ શખ્સ શરાબ-ચકણું ચડાવે છે.

અંતિમ સંસ્કારની તસવીર

ઘણી વાર એવું જોવા મળે છે કે કોઈને અમુક પ્રકારની લત લાગી હોય તો એ છૂટતી નથી, પછી ભલે આ લતને પરિણામે તેણે જીવ ગુમાવવો પડે. હાલમાં બનારસમાં અંતિમ સંસ્કારનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક શખ્સ અંતિમ સંસ્કાર કરતો જોવા મળે છે. સામાન્ય રીતે લોકો ચિતા પર ફૂલ ચડાવે છે, જ્યારે આ શખ્સ શરાબ-ચકણું ચડાવે છે.  વાઇરલ થઈ રહેલો આ વિડિયો બનારસના​ મણિકર્ણિકા ઘાટનો છે. ચિતામાંથી આગની જ્વાળા નીકળી રહી હતી ત્યારે મસ્તક પાસે ઊભેલા એક યુવકે ચિતા પર મૂકેલા માનવીના મોઢામાં શરાબનાં થોડાં ટીપાં નાખ્યાં હતાં. સાથોસાથ ચિતામાં ચકણું પણ ચડાવવામાં આવ્યું. તદુપરાંત પાન-સિગારેટ પણ ચિતા પર રાખવામાં આવ્યાં. મરનાર શખ્સ બડકાબાબુ તરીકે ઓળખાતો હતો. ઘરના લોકોની ઇચ્છા હતી કે બડકાબાબુના શબને પાન પણ ખવડાવવામાં આવે. સગાંસંબંધીઓએ જણાવ્યું કે મરનારની આ અંતિમ ઇચ્છા હતી. આ વિડિયો લાખો વાર જોવાયો છે અને લોકોનું કહેવું છે કે આવું તો બનારસમાં જ થઈ શકે.

offbeat videos offbeat news viral videos