04 April, 2025 06:59 AM IST | New York | Gujarati Mid-day Correspondent
માસ્ટરપીસ
જ્યારે બૅગ ડિઝાઇનર બનાવવાની હોય ત્યારે ફૅશન બ્રૅન્ડની ક્રીએટિવિટી કંઈક અલગ જ લેવલ પર કામ કરતી હોય છે. સામાન્ય સંજોગોમાં જેને આપણે હાથમાં પકડવાનું પણ ન પસંદ કરીએ એવી ચીજો પણ ફૅશનમાં ખપી જતી હોય છે. ફૅશન ઇન્ડસ્ટ્રીમાં આજકાલ લક્ઝરી હૅન્ડબૅગમાં અજીબોગરીબ ડિઝાઇનો રજૂ થતી આવી છે. એમાંથી એક ડિઝાઇન સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ હૅન્ડબૅગ પૈસા કે ડૉક્યુમેન્ટ રાખવા માટે નથી, પરંતુ ઈંડાં રાખવા માટે છે. આ હૅન્ડબૅગ શનેલ નામની ફૅશન બ્રૅન્ડે બનાવી છે. કૉમેડી રાઇટર અને ફિલ્મ મેકર ડિયાના અને એન્જિનિયર-ડિઝાઇનર બિલી હિલર નામના બે અતરંગી માણસોએ આજની પરિસ્થિતિને કટાક્ષ મારવાની હેતુથી આ બૅગ ડિઝાઇન કરી છે. આજકાલ ઇંડાંના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વ્યંગ કરતાં તેમનું કહેવું છે કે ઈંડાં એટલાં મોંઘાં છે કે એને રાખવા અને સાચવવા માટે લક્ઝરી બૅગ હોવી જરૂરી છે. આ બૅગ તૈયાર કરીને બન્નેએ ન્યુ યૉર્કના શનેલ સ્ટોર પર જઈને આ બ્રૅન્ડના સેલ્સ મૅનેજરને બતાવી અને તેમને એ ગમી ગઈ. ફૅશન ઇન્ડસ્ટ્રીના લોકોને તો એ માસ્ટરપીસ લાગ્યો અને તેમણે પોતાની બ્રૅન્ડ હેઠળ આ લક્ઝરી બ્રૅન્ડને ન્યુયૉર્કમાં થયેલા ‘અફોર્ડેબલ આર્ટ ફેર’માં એનું પ્રદર્શન કર્યું હતું.