30 September, 2024 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૪૦ વર્ષ પહેલાંનું રેસ્ટોરાંનું બિલ
જેમ-જેમ સમય વીતતો જાય છે એમ આપણને જૂની વાતો વધુ સારી લાગવા માંડે છે. ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાંની કંકોતરી હોય કે પછી ગાડી, એ નૉસ્ટેલ્જિક ફીલ આપે છે. ચા-કૉફી માટે કોઈ કૅફેમાં બે કલાકમાં પાંચસો-છસો રૂપિયા ખર્ચી નાખનારી જનરેશનને જ્યારે ૪૦ વર્ષ પહેલાંનું કોઈ રેસ્ટોરાંનું બિલ જોવા મળે તો કેવું અચરજ થાય? સોશ્યલ મીડિયા પર ફુલ ડિનરનું બિલ ૨૮ રૂપિયાનું હોય એવી તસવીર ફરી રહી છે. ૧૯૮૫ની સાલના આ બિલમાં આઠ રૂપિયામાં શાહી પનીર, પાંચ રૂપિયામાં દાલ મખની, પાંચ રૂપિયામાં રાયતું અને સાડાછ રૂપિયાની રોટલી છે. એ જોઈને કોઈકે કમેન્ટ કરી છે, ‘પાર્થ, ચલો રથને પાછો ૧૯૮૫માં ફેરવી લો.’
જોકે ૧૯૮૫ની સાલમાં જુવાની ગુજારી હોય એવા લોકોનું કહેવું છે કે એ વખતનું ૨૮ રૂપિયાનું બિલ હાલનું ૧૨૦૦ રૂપિયાના બિલ જેટલું જ છે, કેમ કે એ વખતે પગાર પણ ૧૭૦૦થી ૨૦૦૦ રૂપિયા જેટલા જ હતા.