આ ગામમાં માણસો કરતાં કઠપૂતળીઓ વધારે છે

31 October, 2024 03:13 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

ચીન અને જપાનમાં અત્યારે વસ્તીઘટાડાની સમસ્યા ગંભીર બની છે. આ બન્ને પાડોશી દેશોમાં યુવાનો લગ્ન કરવાનું ટાળે છે અને જપાનમાં તો યુવાનો કરતાં વૃદ્ધોની સંખ્યા વધારે છે.

ગામલોકોએ કઠપૂતળી બનાવી

ચીન અને જપાનમાં અત્યારે વસ્તીઘટાડાની સમસ્યા ગંભીર બની છે. આ બન્ને પાડોશી દેશોમાં યુવાનો લગ્ન કરવાનું ટાળે છે અને જપાનમાં તો યુવાનો કરતાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. જપાનમાં ૬૫ અને તેનાથી વધુ વર્ષની વયના ૩૬.૨૫ મિલ્યન લોકો છે અને આ પણ વિક્રમજનક સંખ્યા છે. સતત પંદરમા વર્ષે ૨૦૨૩માં વસ્તીમાં ઘટાડો થયો છે અને માત્ર ૭,૩૦,૦૦૦ નવજાત બાળકનો જન્મ થયો છે. આવી પરિસ્થિતિને કારણે જપાનના એક નાનકડા ગામ ઇચિનેનોમાં માણસ કરતાં કઠપૂતળીની સંખ્યા વધી ગઈ છે. ગામમાં અત્યારે માંડ ૬૦ જેટલા લોકો રહે છે અને એ બધા જ વૃદ્ધ અને નિવૃત્ત છે. તેમનાં સંતાનો નોકરીધંધા માટે શહેરોમાં રહે છે એટલે ખાલીપો દૂર કરવા અને સંતાનોનાં સંસ્મરણો વાગોળવા માટે ગામલોકોએ કઠપૂતળી બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી છે. ગામના લોકો જૂનાં કપડાંમાંથી પોતાનાં સંતાનો અને સ્વજનો જેવી દેખાતી કઠપૂતળી બનાવે છે અને ગામમાં ઠેકઠેકાણે રાખી છે. ૮૮ વર્ષનાં વિધવા હિયાસો યામાજાકીનું કહેવું છે કે એક સમયે ગામનાં ઘર ભર્યાંભાદર્યાં રહેતાં હતાં. સંતાનો પણ અહીં જ રહેતાં હતાં પણ સમય જતાં અભ્યાસ માટે ગામની બહાર નીકળવા માટે પ્રોત્સાહન આપ્યું અને હવે યુવાન સંતાનો શહેરોમાં નોકરીધંધો કરે છે અને અમે એકલાં પડી ગયાં છીએ. ગામમાં અમારા કરતાં કઠપૂતળીઓ વધારે છે.

japan china international news news world news offbeat news