ઉડુપીમાં રસ્તા પરના ખાડાનો વિરોધ કરવા યમરાજ-વેતાળનો વિડિયો થયો વાઇરલ

29 August, 2024 03:50 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

ભૂતકાળમાં હૈદરાબાદમાં પણ એક મહિલા કાદવવાળા ખાડામાં બેસી ગઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ચોમાસામાં રસ્તા પર મોટા ખાડા પડી જતા હોય છે ત્યારે કર્ણાટકના ઉડુપીમાં ખાડા ધરાવતા રસ્તા પર યમરાજા ખુદ લૉન્ગ જમ્પ સ્પર્ધા લઈ રહ્યા હોય અને વેતાળ આ ખાડો કૂદી રહ્યો હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયો ઉડુપીના પૉપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માલ્પે બીચ પરના રોડનો છે જ્યાં રસ્તામાં ખાડાની સમસ્યા ખતરનાક લેવલે પહોંચી ગઈ છે. યમરાજા ગોલ્ડન કલરના તેમના પરંપરાગત વેશમાં દેખાઈ રહ્યા છે, જ્યારે વેતાળ બનેલા માણસે હાડપિંજર જેવો દેખાય એવો ડ્રેસ પહેર્યો છે. વળી તેમની સાથે ચિત્રગુપ્ત પણ છે જે ખાડા કૂદવાની સ્પર્ધામાં કેટલો મોટો જમ્પ લગાવે છે એને મેઝર-ટેપથી ચકાસીને તેમની પાસે રહેલા પૅડમાં નોંધ કરી રહ્યા હોવાનું દેખાય છે. વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોએ રસ્તાની આવી દશા વિશે આઘાતજનક ટિપ્પણી કરીને જનપ્રતિનિધિઓની ફીરકી ઉડાવી છે. આવી જ રીતે અગાઉ બૅન્ગલોરના રસ્તા પરની દુર્દશા માટે ચેન્જમેકર્સ ઑફ કનકપુરા રોડ નામની સંસ્થાએ યમરાજ અને ભેંસનો ડ્રેસ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. ભૂતકાળમાં હૈદરાબાદમાં પણ એક મહિલા કાદવવાળા ખાડામાં બેસી ગઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો.

offbeat news karnataka viral videos national news india