11 December, 2023 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડિયો ની તસવીર
લગ્ન બે લોકો વચ્ચેનો પવિત્ર સંબંધ હોય છે, જેમાં એ બન્ને જણે પોતાનું આખું જીવન સાથે રહેવાનું હોય છે. લગ્નમાં બે જ વ્યક્તિએ પોતાનાં સુખદુ:ખનાં સાથી બનવાના સપથ લેવાના હોય છે, પણ હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક લગ્ન થતાં જોઈ શકાય છે, પણ બાકીનાં લગ્નથી આ લગ્ન ખૂબ અલગ છે. કારણ કે આમાં વરરાજા તો એક જ છે, પણ દુલ્હન ચાર બતાવવામાં આવી છે. વિડિયો જોઈને લોકો હેરાન થઈ ગયા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે કોટ-પૅન્ટમાં વરરાજા આગળ ચાલે છે અને તેની પાછળ તમામ ચાર દુલ્હન સાથે ફેરા લઈ રહી છે. વિધિ પ્રમાણે પંડિત, અગ્નિ અને લોકો ફૂલ વરસાવી રહ્યા છે. ફેરા પૂરા થતાં ચારેચાર દુલ્હન વરરાજાને પગે પડે છે. વિડિયો ક્યાંનો છે અને કેટલો સાચો છે એ જાણી શકાયું નથી, પણ એ સોશ્યલ મીડિયા એક્સ પર મુસાફિર વીજે નામના અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે. વિડિયો અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.