25 January, 2023 12:16 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરના એક યુવકે જેપી નગરમાં જોવા મળેલી ત્રણ પૈડાંની એક સાઇકલ કારનો વિડિયો શૅર કર્યો હતો
બૅન્ગલોરના એક યુવકે જેપી નગરમાં જોવા મળેલી ત્રણ પૈડાંની એક સાઇકલ કારનો વિડિયો શૅર કર્યો હતો. જોકે લોકોને આ વિડિયો બહુ ગમ્યો નહોતો. બૅન્ગલોરમાં નવી-નવી ટેક્નૉલૉજીથી કોઈ આશ્ચર્યચકિત થતું નથી. ત્રણ પૈડાંની સાઇકલ કાર બૅન્ગલોરના રોડ પર ટ્રાફિક વચ્ચે પોતાનો રસ્તો કાઢી રહી હતી. નવીનતાને કારણે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાતું હતું.
વેલોમોબાઇલ તરીકે જાણીતું યુરોપનું આ વાહન અગાઉ એપ્રિલ ૨૦૨૨માં ભારતની આઇટી રાજધાનીમાં દેખાયું હતું. શહેરના રસ્તા પર એટલા બધા ખાડા છે જેને જોતાં નેધરલૅન્ડ્સમાં નિર્મિત આ વાહનને અહીં સંભાળીને ચલાવવું પડે. આ સાઇકલ કાર ફણીસ નાગરાજાની છે. તેણે ૨૦૧૯માં પૅરિસની એક ઇવેન્ટમાં આ સાઇકલ જોઈ હતી. જોકે હવે તેને બૅન્ગલોરના રસ્તા પર આ સાઇકલ કાર ચલાવવાની ફાવટ આવી ગઈ છે. રોમાનિયન કંપની વેલોમોબાઇલ વર્લ્ડ દ્વારા એનું નિર્માણ કરવામાં આવે છે. સાઇકલને સપાટ રસ્તા પર પ્રતિ કલાક ૩૦થી ૫૦ કિલોમીટરની ઝડપે ચલાવી શકાય છે. ભારતમાં આ સાઇકલ કાર કસ્ટમ ડ્યુટી સાથે ૧૪ લાખ રૂપિયામાં પડે છે. એને ભારતમાં મગાવવાનો ખર્ચ દોઢ લાખ રૂપિયા થાય છે.