16 May, 2023 12:34 PM IST | London | Gujarati Mid-day Correspondent
બ્રિટનમાં એકસરખી દેખાતી ત્રણ બાળકીઓનો જન્મ
આઇડેન્ટિકલ ટ્રિપ્લેટ્સ ખૂબ દુર્લભ કેસમાં થાય છે, કેમ કે આવું ત્યારે જ શક્ય બને છે જ્યારે ફળદ્રુપ થયેલું એક ઈંડું ત્રણમાં વિભાજિત થાય છે. વૈજ્ઞાનિકોના મતાનુસાર કરોડોમાં એક ઈંડું આ રીતે ત્રણમાં વિભાજિત થવાનો કેસ બને છે. તાજેતરમાં યુકેના એક યુગલ (જૅની અને જેમ્સ કાસ્પર)ને એકસાથે ત્રણ દીકરીઓ જન્મી છે. ત્રણેત્રણ દીકરીઓ ૯ અઠવાડિયાં વહેલી જન્મી છે.
શરૂઆતમાં ડૉક્ટરે તેમને જોડિયાં બાળક હોવાનું કહ્યું હતું, પણ ૧૨ અઠવાડિયાં પછી કરવામાં આવેલા સીટી સ્કૅનના રિપોર્ટમાં જૅનીના ગર્ભમાં બે નહીં, પણ ત્રણ બાળક હોવાનું જણાવાયું હતું.
હાર્પર-ગ્વેન, માર્વેલા અને ઇવલિનનો જન્મ ૩૧ માર્ચે થયો હતો અને જન્મ સમયે તેમનું વજન ઓછું હોવાથી ઘરે લઈ જતાં પહેલાં એક મહિનો તેમને યૉર્કશરની હૉસ્પિટલના સ્પેશ્યલ કૅર બેબી યુનિટમાં રાખવામાં આવી હતી. જૅની અને જેમ્સનું કહેવું છે કે ત્રણેય દીકરીઓ એટલી હદે એકસરખી દેખાય છે કે અમારે તેમને ઓળખવી મુશ્કેલ બની જાય છે.