08 February, 2023 11:59 AM IST | Caracas | Gujarati Mid-day Correspondent
વેનેઝુએલાના આર્ટિસ્ટે વાંદરાના હાથેથી પર્મનન્ટ ટૅટૂ કરાવ્યું
સામાન્ય રીતે લોકો પર્મનન્ટ ટૅટૂ કરાવતા પહેલાં ખૂબ વિચારીને અને રેટિંગ્સ જોઈને ટૅટૂ આર્ટિસ્ટની પસંદગી કરતા હોય છે. જોકે વેનેઝુએલાના એક આર્ટિસ્ટ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે એક નાનકડા વાંદરાના હાથે પોતાની બૉડી પર પર્મનન્ટ ટૅટૂ કરાવ્યું હતું.
ફન્કી મૅટાસ નામનો આ આર્ટિસ્ટ તેના ટૅટૂપ્રેમ માટે જાણીતો છે. બલકે પોતાની પીઠ પર સૌથી વધુ સિગ્નેચર ટૅટૂ કરાવવા બદલ તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે એ સમયે પોતાની પીઠ પર ૨૨૦થી વધારે ટૅટૂ કરાવ્યાં હતાં. જોકે તેનો લેટેસ્ટ સ્ટન્ટ અસામાન્ય છે. ફન્કી મૅટાસે સૌપ્રથમ આ નાનકડા વાંદરાને ટૅટૂ ગન હૅન્ડલ કરવા માટે ટ્રેઇનિંગ આપી હતી અને એ પછી તેની પાસેથી પોતાના પર ટૅટૂ કરાવ્યું હતું. આ પ્રકારનો આ પહેલો એક્સપરિમેન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફન્કી મૅટાસે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘આ ટૅટૂ ક્વૉલિટીની દૃષ્ટિએ બેસ્ટ નહોતું. જોકે આ અત્યંત બુદ્ધિશાળી પ્રાણીની ક્ષમતાઓ તરફ રસપ્રદ રીતે જોવાનો એક પ્રયાસ હતો.’
આ અસામાન્ય એક્સપરિમેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયા પર તરત જ વાઇરલ થઈ ગયો હતો.