19 November, 2024 04:41 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલની ચાર સ્ટાફ નર્સને પ્રમોશન મળ્યું એટલે હૉસ્પિટલનો મેડિકલ સ્ટાફ રાજીરાજી થઈ ગયો અને પાર્ટી રાખી
વારાણસીની દીનદયાલ ઉપાધ્યાય જિલ્લા હૉસ્પિટલની ચાર સ્ટાફ નર્સને પ્રમોશન મળ્યું એટલે હૉસ્પિટલનો મેડિકલ સ્ટાફ રાજીરાજી થઈ ગયો અને પાર્ટી રાખી. પાર્ટીમાં પ્રમોટ થયેલી ૪ નર્સને હાર પહેરાવાયા અને મોઢાં મીઠું કરાવડાવ્યાં, પણ આનંદનો ઉન્માદ આટલેથી ન શમ્યો અને ‘સસુરાલ ગેંદા ફૂલ’ અને ‘કાટી રાત મૈંને ખેતોં મેં તૂ આયી નહીં’ જેવાં ગીતો પર ડૉક્ટરો, પૅરા મેડિકલ સ્ટાફ અને નર્સ મન મૂકીને નાચ્યાં. પાર્ટીમાં ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દિગ્વિજય સિંહ, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પ્રેમપ્રકાશે પણ હાજરી આપી હતી. વાત એમ હતી કે પાર્ટી કરી ત્યારે ડ્યુટીનો સમય ચાલુ હતો એટલે બધાએ હૉસ્પિટલનો ડ્રેસ પહેરી રાખ્યો હતો અને આઇકાર્ડ પણ ગળામાં લટકાવી રાખ્યાં હતાં. એક બાજુ દરદીઓની સારવાર ચાલી રહી હતી અને બીજી બાજુ ડૉક્ટર, નર્સ ફિલ્મી ગીતોના તાલે ઝૂમી રહ્યાં હતાં. પાર્ટીના ૪ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં હોબાળો મચ્યો છે. જિલ્લાના વહીવટી તંત્રથી માંડીને સરકાર પણ ચોંકી ગઈ છે અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને સ્વાસ્થ્ય પ્રધાન બ્રજેશ પાઠકે ચીફ મેડિકલ ઑફિસરને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઑફિસરે એક સપ્તાહમાં તપાસ કરીને અહેવાલ મોકલવાનો છે. કહેવાય છે કે દિવાળી પહેલાં સેમિનાર હૉલમાં આ પાર્ટી રાખી હતી.