26 May, 2024 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પુત્રની ઘેલછામાં લોકો કઈ હદ સુધી જઈ શકે છે એની આ આઘાતજનક ઘટના છે. ઉત્તર પ્રદેશના બદાયુંમાં ચાર વર્ષ પહેલાં ગર્ભસ્થ બાળકની જાતિ તપાસવા માટે પત્નીનું પેટ ચીરી નાખનાર પતિને કોર્ટે આજીવન કેદની સજા કરી છે. આરોપી પન્નાલાલે ૨૦૨૦માં પત્ની અનીતા પર હુમલો કર્યો હતો. ૨૨ વર્ષના લગ્નજીવનમાં પન્નલાલ અને અનીતાને પાંચ પુત્રીઓ હતી. પુત્રની ઇચ્છાને લઈને પન્નાલાલ અવારનવાર અનીતા સાથે મારપીટ કરતો. ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં અનીતા પ્રેગ્નન્ટ હતી ત્યારે એક દિવસ આવેશમાં આવેલા પન્નાલાલે બોલાચાલી કર્યા બાદ બાળક છોકરો છે કે છોકરી એ તપાસવા માટે ધારદાર છરા વડે પત્નીનું પેટ ચીરી નાખ્યું હતું. ઘાયલ અવસ્થામાં બહાર નીકળેલી અનીતાને આસપાસના લોકોએ હૉસ્પિટલ પહોંચાડી હતી. સારવાર બાદ ડૉક્ટરોએ અનીતાને બચાવી લીધી, પણ બેબી-બૉયને બચાવી શકાયો નહોતો.