31 March, 2025 08:49 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ઇમામુદ્દીન અને તેની પત્ની ગુડિયા
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવા ગામમાં રહેતાં ઇમામુદ્દીન અને તેની પત્ની ગુડિયા દેશની વસ્તી વધારવામાં અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. ૫૦ વર્ષનાં ગુડિયાબહેને તાજેતરમાં ૧૪મા બાળકને જન્મ આપ્યો છે. ૧૪મા બાળકની ડિલિવરી કરાવનાર ડૉક્ટરો પણ અચરજ પામી ગયા છે અને તેમનાં સગાંસંબંધીઓ ઉપરાંત બીજા લોકો પણ ૧૪ બાળકોવાળા પરિવારને જોવા હાપુડના તેમના ઘરે આવે છે. ગયા શુક્રવારે ગુડિયાને પ્રસવની પીડા ઊપડી ત્યારે પહેલાં તો ડિલિવરી માટે તેમને ગામની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં, પણ ત્યાંના ડૉક્ટરોએ ૧૪મી ડિલિવરી છે એવું સાંભળીને મેરઠ જવાનું કહ્યું. જોકે સરકારી ઍમ્બ્યુલન્સથી તેને હાપુડ જિલ્લાની હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં તરત જ પ્રસવ થયો હતો. હૉસ્પિટલના ચીફ મેડિકલ ઑફિસરનું કહેવું હતું કે પચાસમા વર્ષે ૧૪મી ડિલિવરી હતી અને તે એટલી છેલ્લી ઘડીએ આવેલી કે હૉસ્પિટલના ગેટ પર જ તેણે ઍમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપ્યો હતો.