20 December, 2022 12:47 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
સામન્થા રેમ્સડેલ
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં જાતજાતના રેકૉર્ડ્સ નોંધાતા હોય છે. ઘણી વખત આપણને થાય પણ ખરું કે શું ખરેખર આને રેકૉર્ડ ગણી શકાય ખરો? ઘણી વખત આપણે બોલચાલમાં કોઈ મહિલાને ઉતારી પાડવા કે તેની ટીકા કરવા માટે કહેતા હોઈએ કે ફલાણી મહિલાની જીભ બહુ લાંબી છે, પરંતુ અહીં વાત છે એક મહિલાના મોઢાની, જેની વચ્ચેની જગ્યા વિશ્વમાં સૌથી વધુ છે. અમેરિકામાં રહેતી ૩૨ વર્ષની આ મહિલાનું નામ સામન્થા રેમ્સડેલ છે. તેણે ૨૦૨૧માં વિશ્વની સૌથી મોટી મોઢામાં ગૅપ ધરાવતી મહિલા હોવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. તેનું મોઢું ખૂલે ત્યારે તે ૬.૫૨ સેન્ટિમીટર સુધી ખૂલે છે. એક વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તેના મોઢામાં એક આખું સફરજન, સંતરું, એક ચૉકલેટ અને એક બર્ગર સુધ્ધાં આવી જાય છે. સામન્થા નાની હતી ત્યારથી તેને ખબર હતી કે તેનું મોઢું મોટું છે. તેના કુટુંબમાં આટલું મોટું મોઢું કોઈનું નહોતું. આખરે આ હકીકતે તેને રેકૉર્ડ-બુકમાં નામ નોંધાવવા માટે લાયક બનાવી હતી.