05 May, 2023 01:10 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
કેલ્સી ગ્રબે
અમેરિકાના આલ્બાર્ક્કી રહેવાસી ૩૨ વર્ષની કેલ્સી ગ્રબે તેના પગને તદ્દન ઊલટી દિશામાં ફેરવીને સૌથી લાંબા ફુટ રોટેશનની એક અનોખી સિદ્ધિ હાંસલ કરીને વિશ્વ રેકૉર્ડ કર્યો છે. કેલ્સી તેના પગ ૧૭૧.૪ ડિગ્રી જેટલા ઘુમાવી શકે છે. જોકે અહીં પ્રશ્ન એ થાય કે તેને કેવી રીતે જાણ થઈ પોતાની આ સિદ્ધિની?
કેલ્સીએ જણાવ્યું કે તે લાઇબ્રેરીમાં કામ કરતી હતી એ વખતે વર્લ્ડ રેકૉર્ડ (૨૦૨૧)ની નવી બુક પ્રકાશિત થઈ હતી. તેનો સહ-કર્મચારી બુક જોઈ રહ્યો હતો ત્યારે તેની નજર સૌથી લાંબા ફુટ રોટેશનનો રેકૉર્ડ ધરાવતા પેજ પર પડી. કેલ્સીએ આ બુકનો રેકૉર્ડ જોઈને પોતાના પગ કેટલા રોટેટ થઈ શકે છે એ ચકાસતાં તેના પગ પણ પ્રમાણમાં સારા એવા રોટેટ થતા હોવાનું જણાતાં તેણે પણ રેકૉર્ડ કરવાની કોશિશ કરવાનું વિચાર્યું.
આમ છતાં કેલ્સીએ રેકૉર્ડ હાંસલ કરવા વિશેષ પ્રૅક્ટિસ નહોતી કરી, પરંતુ તેણે પગના રોટેશનને એક શોખ તરીકે વિકસાવ્યા બાદ તેણે તેની લવચિકતા પ્રમાણમાં વધી રહી હોવાનું અનુભવ્યું હતું. જોકે મોટા ભાગના લોકો ૯૦ ટકા જેટલો પગ તો ફેરવી જ શકતા હોય છે એથી તેણે પગને વધુ ફેરવવાનો પ્રયાસ કરવાનું કાયમ રાખ્યું.