25 November, 2022 10:28 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
નવા જન્મેલા લિડિયા અને ટિમોથી રિજવે
૧૯૯૨ના એપ્રિલમાં જ્યૉર્જ બુશ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, તો જૉન મેજર ઇંગ્લૅન્ડના વડા પ્રધાન હતા. આવું તો ઘણું બધું હતું જે કદાચ કોઈને યાદ પણ ન હોય. આ જ સમયગાળા દરમ્યાન નવા જન્મેલા લિડિયા અને ટિમોથી રિજવેના ગર્ભને ફ્રોજન કરવામાં આવ્યા હતા. અમેરિકાના ઓરેગોનમાં રહેતાં ફિલિપ અને રશેલ રિજવે ટ્વિન્સ બાળકો લિડિયા અને ટિમોથીનાં માતા-પિતા છે. આ બન્ને જોડિયાં બાળકોનો જન્મ ૨૦૨૨ની ૩૧ ઑક્ટોબરે થયો છે, જે તેમના ગર્ભને ફ્રોજન કર્યાનાં ૩૦ વર્ષ બાદ થયો છે, જે એક રેકૉર્ડ છે. બાળકોના પિતા ફિલિપે કહ્યું કે ‘લિડિયા અને ટિમોથી બન્ને બાળકોના ગર્ભમાં જ્યારે ઈશ્વરે પ્રાણનો સંચાર કર્યો હશે ત્યારે મારી ઉંમર પાંચ વર્ષની હતી. આ અર્થમાં તેઓ અમારાં પ્રથમ સંતાન ગણાયાં, પરંતુ ખરેખર તો તેઓ અમારાં સૌથી નાનાં બાળકો છે. આ બન્ને યુગલને પહેલેથી જ ચાર બાળકો છે, જેમની ઉંમર બેથી આઠ વર્ષની છે.
આ ગર્ભ ૧૯૯૨માં ૩૪ વર્ષની એક મહિલા અને ૫૦ વર્ષના પુરુષે ડોનેટ કર્યા છે. જેને ૨૦૦૭ સુધી ૨૦૦ ડિગ્રી કરતાં ઓછા તાપમાનમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એને નૅશનલ એમ્બ્રિયો ડોનેશન સેન્ટરને દાન કરવામાં આવ્યા હતા, જેથી અન્ય યુગલ એનો ઉપયોગ કરી શકે. આ સમગ્ર પ્રક્રિયાને ભ્રૂણ-દાન તરીકે ઓળખવામાં આવી છે. કોઈ વ્યક્તિ આઇવીએફમાંથી પસાર થાય છે એ ઉપયોગ કરતાં વધારે ભ્રૂણ બને છે, જેને બાળક મેળવવા માગતા લોકોને દાન આપી શકાય. ભ્રૂણ-દાનથી જન્મેલાં બાળકો તેમને ઉછેરનારાં માતા-પિતા સાથે કોઈ પણ આનુવંશિક લક્ષણ ધરાવતાં નથી.