14 May, 2023 11:01 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
કાય માઇકલસન
અમેરિકામાં રહેતો કાય માઇકલસન યુનિક શોધ માટે જાણીતો છે. તેણે હવે બિયરથી ચાલતી બાઇકનું નવું ઇન્વેન્શન કર્યું છે. કાયે કહ્યું કે આ બાઇક ખરેખર અલગ છે. આ બાઇકમાં ખાસ કરીને હીટિંગ કોઇલ છે. આ કોઇલથી બિયર ગરમ થાય છે, જેનાથી આ બાઇકને શરૂ કરવા માટે પાવર મળે છે. તેણે બ્લુમિંગ્ટન સિટીમાં તેની ગૅરેજમાં આ બાઇક તૈયાર કરી હતી.
આ બાઇક વિશે તેણે વધુમાં કહ્યું હતું કે ‘બિયરને ૩૦૦ ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે અને જ્યારે એ પાછળ રહેલા નોઝલમાંથી પસાર થાય છે ત્યારે બિયર અતિશય ગરમ વરાળમાં ફેરવાઈ જાય છે, જેનાથી બાઇકને આગળ ધપાવવા માટે પૂરતું બળ મળે છે.’
એમ જણાય છે કે આ બાઇક આખરે તેના મ્યુઝિયમનો એક ભાગ બની જશે. માઇકલસને તેના ઘરને મ્યુઝિયમમાં ટ્રાન્સફૉર્મ કર્યું છે.