નસીબ હોય તો આવું! ફિશિંગ કરવા ગયેલા કપલને ૮૩ લાખ રૂપિયા ભરેલું બૉક્સ મળ્યું

05 June, 2024 04:08 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

અગાઉ જેમ્સ અને બાર્બીને મૅગ્નેટ ફિશિંગ કરતી વખતે ગન્સ, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનના ગ્રેનેડ, મોટરસાઇકલ, વિદેશી સિક્કા અને જ્વેલરી મળ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

અમેરિકાના એક કપલે કોઈ દિવસ ધાર્યું પણ નહીં હોય કે માછીમારીનો શોખ તેમને લાખો રૂપિયાના બૉક્સ સુધી પહોંચાડી દેશે. ન્યુ યૉર્કના એક લેકમાં ફિશિંગ કરવા ગયેલા જેમ્સ અને બાર્બી નામના કપલને માછલી નહીં પણ ૮૩ લાખ રૂપિયા કૅશથી ભરેલું બૉક્સ પકડ્યું હતું. આ સાંભળીને લોકો કહી રહ્યા છે કે નસીબ તો આ અમેરિકન દંપતી જેવું હોવું જોઈએ.

જેમ્સ કેન અને બાર્બી ઍગોસ્ટિની ક્વીન્સ ખાતે ફ્લશિંગ મિડોઝ કોરોના પાર્કમાં મૅગ્નેટ ફિશિંગ માટે ગયાં હતાં. તેમણે મૅગ્નેટવાળું ફિશિંગ ટૂલ પાણીમાં નાખ્યું ત્યારે તેમને લાખો રૂપિયાના બંડલથી ભરેલું બૉક્સ મળ્યું હતું. જોકે લાંબો સમય પાણીમાં હોવાથી નોટો ડૅમેજ થઈ ગઈ હતી. આ કપલે ન્યુ યૉર્ક પોલીસને તેમને મળેલા ખજાના વિશે વાત કરી હતી. જોકે પોલીસ મૂળ માલિક સુધી ન પહોંચી શકતાં જંગી રોકડ આ કપલને જ આપવામાં આવી હતી. અગાઉ જેમ્સ અને બાર્બીને મૅગ્નેટ ફિશિંગ કરતી વખતે ગન્સ, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનના ગ્રેનેડ, મોટરસાઇકલ, વિદેશી સિક્કા અને જ્વેલરી મળ્યાં હતાં. પહેલી વાર તેમને લાખો રૂપિયા ભરેલું બૉક્સ મળ્યું હતું.

offbeat news united states of america new york international news